(જીગ્નેશ ભટ્ટ) મોરબી,તા.25
મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા યુવાનના ઘરના તાળા તોડીને તસ્કરે પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ કબાટ અને પલંગમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને કુલ મળીને 1.39 લાખની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ પોરબંદરના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરના રહેવાસી અને હાલમાં નાનીવાવડી ગામે આવે સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા બીપીનભાઈ લાભશંકર મહેતા બ્રાહ્મણ (32)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 6/9/23 ના રોજ બપોરના બે થી તા. 10/9/23 ના સવારના આઠ વાગ્યા સુધીના સમય દરમ્યાન તેના ઘરને કોઈ અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યું હતું અને તેના મકાનના મેઇન દરવાજાના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.
ત્યાર બાદ લોખંડના પલંગમાં તથા કબાટમાં રાખેલ પતરાની પેટીના નકુચા તોડીને તેમાંથી સોનાનો ચેન અને પેન્ડલ આશરે બે તોલા, સોનાનો હાર અને બે જોડી બુટ્ટી આશરે ત્રણ તોલા આમ કુલ મળીને પાંચ તોલા સોનાના દાગીના જેની કિંમત 1.24 લાખ તથા પલંગના ગાદલાની નીચે રાખેલા રોકડા રૂપિયા 15,000 આમ કુલ મળીને 1.39 લાખ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે તાલુકા પોલીસ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં આ ગુનાની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે.