► ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ, પંચનાથ હોસ્પિટલ, જી.ટી. શેઠ હોસ્પિટલ અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા
રાજકોટ, તા.25 : રાજકોટના સર્વેશ્વર ચોકની દુર્ઘટનામાં 35 જેટલા લોકોને ઇજા થઈ હતી. જેમાં 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. યાજ્ઞિક રોડ પર વોકળા ઉપર બનાવેલ કોમ્પલેક્ષમાં સ્લેબ તૂટી પડતા બનાવ બન્યો હતો. ઘટનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દોડતી રહી હતી. રવિવારનો રજાનો દિવસ હોવાથી નામાંકિત સંતોષ ભેળ અને આસપાસની ખાણીપીણીની દુકાનોમાં લોકોનો જમાવડો થયો હતો. જે ભાગ તૂટ્યો તેના પર બનાવ વખતે 50થી 60 લોકો હાજર હતા તેવું જાણવા મળે છે.
આ અંગે મળતી વિગત મુજબ, ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં એક તરફ ગણપતિ ઉત્સવનું આયોજન હતું તેની ભીડ હતી. બીજી તરફ અહીં સંતોષ ભેળ સહિતની ખાણીપીણીની દુકાનોમાં નાસ્તો કરવા લોકોની ભીડ જામી હતી. આ દુકાનો જે કોમ્પલેક્ષમાં આવેલી છે તે શિવમ કોમ્પલેક્ષ આશરે 30 વર્ષ જૂનું છે. આ બિલ્ડીંગ વોકળા ઉપર બનેલું છે. દુકાનોની આગળનો ખુલ્લો ભાગ વોકળા ઉપર સ્લેબ (છત) બાંધી બનાવ્યો છે. બનાવ વખતે અચાનક આ સ્લેબ તૂટી પડી હતી અને ચાલીસેક જેટલા લોકો સ્લેબ સાથે વોકળામાં પડ્યા હતા. જેમાં 20 જેટલા લોકોને સારવારમાં સિવિલ હોસ્પિટલ, પંચનાથ હોસ્પિટલ, જી.ટી. શેઠ હોસ્પિટલ અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
► રવિવારનો રજાનો દિવસ હોવાથી નામાંકિત સંતોષ ભેળ અને આસપાસની ખાણીપીણીની દુકાનોમાં લોકોનો જમાવડો થયો હતો: જે ભાગ તૂટ્યો તેના પર બનાવ વખતે 50થી 60 લોકો હાજર હતા
મોટા ભાગના લોકો નાસ્તો કરવા આવ્યા હતા. ભેળની દુકાને લોકો નાસ્તો કરતા હતા ત્યારે અચાનક વોકળા પરનો સ્લેબ પડતા તેઓ વોકળામાં ખાબક્યા હતા. જેમાં અમૂકને નાકમાંથી લોહી વહી ગયું તો કેટલાકને ફ્રેકચર થયું છે. કેટલાકને નાની મોટી ઇજા થઇ હતી. સર્વેશ્વર ચોકમાં એક તરફ ગણેશ મહોત્સવમાં રવિવારને લીધે ભાવિકોની ભારે ભીડ જામી હતી તો બીજી તરફ ચોકમાં જ સ્થિત ભેળની દુકાને લોકો પરિવાર સાથે નાસ્તો કરી રહ્યા હતા ત્યારે દુકાન પાસે ઉભેલા લોકો સ્લેબ તૂટતા વોકળામાં પડ્યા હતા. મોટા ભાગના લોકો પરિવાર સાથે જ આવ્યા હતા. તો કેટલાક યુવાનો મિત્રો સાથે નાસ્તો કરવા આવ્યા હતા.
આ ઘટના બાદ લોકોમાં ચિચિયારીઓ સંભળાઈ હતી. ભયંકર દ્રશ્યો નજરે નિહાળતા વ્યક્તિ જણાવે છે કે, અમે પણ ભેળની દુકાને નાસ્તો કરી ગણપતિના દર્શન કરવા પહોચ્યા ત્યાં ભયંકર અવાજ આવ્યો અને અમે ત્યાં દોડી ગયા. દરમિયાન ગણેશ મહોત્સવ સમિતિના સ્વયંસેવકો લોકોને વોકળામાંથી બહાર કાઢી રહ્યા હતા. અમૂકના નાકમાંથી લોહી વહી રહ્યા હતા તો કેટલાકને ફ્રેકચર આવી ગયું. જોકે થોડા સમયમાં 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની ટીમ ત્યાં પહોચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તુરંત ત્યાં સારવાર અપાઈ હતી. તબીબી ટીમો ખડેપગે રહી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનો પણ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા.
બનાવ બનતા ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક લોકોએ બચાવ કામગીરી તુરંત હાથ ધરી હતી, રાજકીય આગેવાનો પણ દોડી ગયા હતા. (તસવીર : ભાવિન રાજગોર)
સવાર સુધીમાં કોઈ મોત નોંધાયું નથી: પીઆઈ હરિપરા
બનાવ બન્યો એ સ્થળ રાજકોટ શહેરના એ. ડિવિઝન પોલીસ મથકમાં આવે છે. બનાવ આશરે 9 વાગ્યા આસપાસ બન્યો હતો. એ. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ધવલ હરિપરાએ ’સાંજ સમાચાર’ને જણાવ્યું કે, જાણ થતા જ એ.ડિવિઝન પોલીસ મથકની ટીમ સાથે અમે દોડી ગયા હતા. આસપાસથી સીડીઓ શોધી, દોરડા લાવી વોકળામાં પડેલ લોકોને બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી આવી હતી. ઇજાગ્રસ્ત લોકોને સિવિલ હોસ્પિટલ સહિત જુદી જુદી હોસ્પિટલમાં ખસેડાયા હતા. મોડી રાત સુધી કામગીરી ચાલી હતી. સવાર સુધી મળેલી માહિતી મુજબ કોઈ વ્યક્તિનું મોત થયાની માહિતી મળતી નથી તેમ પીઆઈએ જણાવ્યું હતું.
પોલીસ કમિશનર દોડી ગયા
આ તરફ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઉપરાંત પોલીસ સ્ટાફ બચાવ કામગીરીમાં હતો. એ. ડિવિઝન પીઆઈ ધવલ હરિપરાની ટીમ ઘટના સ્થળે ખડેપગે હતી. સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા જાળવવા પ્ર.નગર પીઆઈ મેહુલ ગોંડલીયા તેમની ટીમ સાથે કામગીરીમાં લાગી ગયા હતા. ઉપરાંત ડીસીપી એસીપી સહિતના અધિકારીઓ પણ સતત માર્ગદર્શનમાં રહ્યા હતા. પોલીસે યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી.
ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સ પણ દોડવાઈ
બનાવના પગલે 108ની એમ્બ્યુલન્સો દોડવાઈ હતી સાથે ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સો પણ દોડવાઈ હતી. ચીફ ફાયર ઓફિસર શ્રી ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર શ્રી જોબણ, શ્રી ઠેબા, ફાયર ફાઈટર શામળભાઈ, હરેશભાઇ શિયાળ, જયેશભાઈ ડાકી, સામતભાઈ મોઢવાડીયા, પરેશભાઈ ચૌધરી, જયપાલસિંહ, દિલીપસિંહ, એમ ત્રણ ફાયર સ્ટેશનનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો. ફાયર બ્રિગેડે 4 લોકોને પંચનાથ હોસ્પિટલમાં અને બે લોકોને જી.ટી. શેઠ હોસ્પિટલમાં જ્યારે 7 લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
ઘટનાની વિગતો ડો. પ્રદિપ ડવ પાસેથી મેળવતા મુખ્યમંત્રી
પદાધિકારી મોડી રાત સુધી હોસ્પિટલ પર રહ્યા
રાજકોટ, 25 : રાજકોટના સર્વેશ્વર ચોકમાં ગઇકાલે રાત્રે બનેલી આ કરૂણ દુર્ઘટનાની વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ પાસેથી મેળવી હતી. ઘટના સ્થળે ઇજા પામેલા લોકો, સારવાર અને તંત્રની કામગીરી અંગે તેમણે પૃચ્છા કરી હતી. પૂર્વ મેયર ઘટના સ્થળથી માંડી હોસ્પિટલ સુધી સાથે જ રહ્યા હતા. મુખ્યપ્રધાને આ બનાવ અંગે દુ:ખ વ્યકત કર્યું હતું. મનપા પદાધિકારીઓ મોડી રાત્રી સુધી હોસ્પિટલે રોકાયા હતાં.
ઇજાગ્રસ્તોના નામ
(1) દિનેશભાઇ બાબુભાઇ કારીયા (ઉ.વ.73)
(2) અભિષેકભાઇ દિનેશભાઇ કારીયા (ઉ.વ.35)
(3) અંકિતાબેન કારીયા (ઉ.વ.22)
(4) પુજાબેન અભિષેકભાઇ કારીયા (ઉ.વ.33)
(5) રિધ્ધિબેન મનસુખભાઇ ભોજપરા (ઉ.વ.23)
(6) જયોતિબેન મનસુખભાઇ ભોજપરા (ઉ.વ.40)
(7) પૂજાબેન મનસુખભાઇ ભોજપરા (ઉ.વ.19)
(8) ઉત્સવભાઇ મનિષભાઇ વડનગરા (ઉ.વ.21)
(9) બીજલ જયદીપભાઇ ચાપા (ઉ.વ.33)
(10) ખ્યાતિબેન જતીનભાઇ મહેતા (ઉ.વ.34)
(11) રિધમ પરેશભાઇ ચરાવડા (ઉ.વ.21)
(12) હાર્દિકભાઇ રમેશભાઇ પોપટ (ઉ.વ.24)
(13) દક્ષિકાબેન રાઠોડ (ઉ.વ.21)
(14) કાજલબેન કોઠારી
(15) આશિષભાઇ કોઠારી
(16) જયોત્સનાબેન કોઠારી
(17) સંગીતાબેન
(18) ભાવનાબેન અશ્વીનભાઇ ઠકકર (ઉ.વ.63)
(19) અશ્વીનભાઇ હરિલાલ ઠકકર (ઉ.વ.68)
(20) બિનાબેન રાજેશભાઇ વ્યાસ (ઉ.વ.58)
(21) રાજેશભાઇ જાદવભાઇ વ્યાસ (ઉ.વ.60)
(22) કૈલાસબેન અશ્વીનભાઇ તન્ના (ઉ.વ.60)
(23) મમતાબેન મયુરભાઇ ત્રિવેદી (ઉ.વ.58)
(24) કેતનભાઇ નટરવલાલ નંદાણી (ઉ.વ.46)
(25) પ્રતિભાબેન રસિકભાઇ કોટક(ઉ.વ.75)
શિવમ કોમ્પલેક્ષ 35 વર્ષ જૂનું બિલ્ડિંગ, ‘ખાઓ ગલ્લી’ તરીકે સર્વેશ્વર ચોક પ્રખ્યાત : દરરોજ સેંકડો લોકો નાસ્તો કરવા આવે છે
રવિવારે સાંજે સર્વેશ્વર ચોક કા રાજા ના દર્શન કરવા અને ખાણીપીણીની દુકાને અનેક લોકો હતા, ત્યાં અચાનક સ્લેબ તૂટી પડ્યો અને સેંકડો લોકો ગટરમાં ખાબક્યા
રાજકોટ : શહેરના મધ્ય યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોક ખાવ ગલ્લી તરીકે પ્રખ્યાત છે. લોકો સવારથી મોડી રાત સુધી વડા પાંવ, સંતોષ ભેળ, રજમંદીર કોલ્ડ્રિંક, સેન્ડવીચ સહિતની વાનગીઓ માટે આવે છે. તો આ ઉપરાંત 100 થી વધુ ઓફિસ શોરૂમ છે. અહીંયા હીરા પન્ના, સ્ટાર ચેમ્બર, સહિત નજીકના કોમ્પલેક્ષના લોકો પાર્કિંગ કરે છે.
દરરોજ સેંકડો લોકોની અવરજવર રહેતી હોય છે. અને અહી ગણપતિ મહોત્સવનું આયોજન સર્વેશ્વર ચોક કા રાજા નું આયોજન થતું હોય છે. ત્યારે ગઈકાલે રવિવારે અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચ્યા હતા જે ત્યારબાદ નાસ્તો કરતા હતા. સાંજે 8.30 કલાકે સંતોષ ભેળની બહારનો સ્લેબ આચાનક ધરાશાયી થતાં અનેક લોકો નીચે પટકાયા હતા. ત્યારે આજુબાજુના લોકો, ગણેશ ઉત્સવના સ્વયમ સેવકો, દ્વારા એમ્બ્યુલન્સ અને પોલીસ ન આવે ત્યાં સુધી તરત રેસક્યું કામગીરી હાથ ધરી હતી. આ શિવમ કોમ્પલેક્ષ અંદાજે 35 વર્ષ જૂનું. અને વોકળા પર નો સ્લેબ તૂટતા વડીલો બાળકો મહિલાઓ નીચે પડ્યા હતા. અનેક લોકો.હેમખેમ રીતે રેસકુયું કરાયું હતું.
ક્યાં છે પ્રી-મોનસુન કામગીરી ? અગાઉ પણ યાજ્ઞિક રોડના ધનરજની બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું હતું
પૂર્વ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાના કમિશ્નર, ટાઉન પ્લાનિંગ અધિકારી સહિત મનપા તંત્ર પર આરોપ
રાજકોટ : ગઈકાલે સર્વેશ્વર ચોકમાં સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ કોંગ્રેસ આગેવાનો સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. તે સમયે મીડિયા સાથે વાતચીત દરમ્યાન ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું કે મનપા તંત્ર પ્રી મોન્સુન કામગીરીના દાવા કરતી હોય છે જેમાં જર્જરિત મકાનો ઇમારતોને નોટિસ આપી, અને અમુકને હટાવી દેવામાં પણ આવતા હોય છે.
પરંતુ આ પ્રકારના બિલ્ડિંગ કે ખૂબ જૂનાં છે તેના સર્વે શા માટે નહોતા થયા. શું આવી પ્રિ મોન્સુન કામગીરી હોય છે ? તેવો પ્રશ્ન કરાયો હતો. આ સાથે તેઓએ જણાવ્યું કે આ પહેલી વખત નથી જ્યારે કોઈ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોય. આ પેહલા પણ યાજ્ઞિક રોડ પર જ ધનરજની બિલ્ડિંગની દીવાલ ધરાશાઈ થઈ હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ગાયત્રીબાએ કહ્યું કે ભાજપના આગેવાનો મગરમચ્છના આંસુ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચશે.
ભાજપના શાસકોએ વોકળાઓ વહેંચ્યા, અનેક પર ગેરકાયદેસર બાંધકામ: કોંગ્રેસનો આક્ષેપ
સિવિલ હોસ્પિટલે કલેકટરને ઘેરતો વિપક્ષ : ન્યાયિક તપાસ અને ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે તે માટે કરી માંગ : અશોકસિંહ, ગાયત્રીબા અને અતુલ રાજાણીએ મનપા તંત્ર, સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા
રાજકોટ: ગઈકાલે સાંજે 8.30 કલાકની આસપાસ શહેરના મધ્યમાં આવેલ ડો.યાજ્ઞિક રોડ પાસે સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરની સ્લેબ ધરાશાયી થઈ હતી. ત્યારે 11 જેટલા ઇજાગ્રસ્ત લોકો સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ તમામ લોકોની ખબર અંતર પૂછવા વહીવટી તંત્રના અધિકારીઓ અને રાજકીય આગેવાનો પહોંચ્યા હતા.
ત્યારે કોંગ્રેસ દ્વારા આ દુર્ઘટનાને લઈને ભાજપના શાસકો પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ આગેવાનો ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા અને અતુલ રાજાનીએ જણાવ્યું કે શહેરના 12 નાના વોકળા અને 28 મોટા વોકળા ભાજપનાં શાસકો દ્વારા વહેચી નાખવામાં આવ્યા છે. આજે અનેક પર ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું છે છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. આ સાથે તેઓએ કલેકટર પ્રભવ જોશીનો ઘેરાવ કરી આ સમગ્ર મામલે ન્યાયિક તપાસની માંગ કરી હતી. ઉપરાંત તમામ ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે તેવી રજૂઆત કરી હતી.