(વિપુલ હિરાણી)ભાવનગર, તા.25
ભાવનગર-અમદાવાદ હાઈવે પરના ભડભીડ ટોલનાકા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર લઈને આવી રહેલા ચાર રાજસ્થાની શખ્સને ભાવનગર ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઈ પોણા દસ લાખથી વધુની માલમત્તા કબજે કરી હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ-પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગ દરમ્યાન ભડભીડ ટોલનાકા પાસે પહોંચતા એક સફેદ કલરની હ્યુંડાઈ ક્રેટા કારમાં રાજસ્થાનથી વિલાયતી દારૂનો જથ્થો ભરીને ધોલેરા તરફથી ભાવનગર લવાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર ક્રાઈમ બ્રાંચ-પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વોચ ગોઠવતા ક્રેટા કાર નં.જીજે.18.બીઆર.5611 શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને રોકી તલાશી લેવામાં આવી હતી.
પોલીસની તપાસમાં કારની અંદર છુપાવેલી વિદેશી દારૂની 396 બોટલ (કિ.રૂા.1,18,800) મળી આવતા કારમાં સવાર ગંગારામ ઉદારામ બિશ્નોઈ, ક્રિષ્નારામ પુરખારામ બિશ્નોઈ, મુકેશ ક્રિષ્નારામ બિશ્નોઈ (રહે, ત્રણેય ભાટીપ, તા.રાણીવાડા, જિ.જાલોર, રા. રાજસ્થાન) અને હનુમાન પુનમારામ બિશ્નોઈ (રહે, હેમાગુડા, તા.ચીત્તલવાના, જિ. સાંચૌર, રા.રાજસ્થાન) નામના ચાર શખ્સને ઝડપી લઈ દારૂનો જથ્થો, આઠ લાખની કિંમતની કાર અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂા.9,48,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે એલ.સી.બી.એ ચારેય રાજસ્થાની શખ્સ સામે વેળાવદર ભાલ પોલીસમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.