કાલાવડ, તા.25 : કાલાવડ તાલુકામા આવેલી એક હોટેલમાં ત્રણ કહેવાતા પત્રકારોએ પહોચી, ફૂડ લાયસન્સ માંગી, ધાક ધમકી આપતા મામલો પોલીસ દફતરે પહોચ્યો છે. પોલીસે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે મામલો વીસ દિવસ પૂર્વેનો છે. ત્રણ પૈકીના એક શખ્સને મફતમાં જમવાનું આપવાની ના પાડતા આ કથિત પત્રકારોએ ધમકી આપી હતી. કાલાવડ તાલુકા મથકે જામનગર રોડ પર ચાર ભાગીદારોએ ક્રિષ્ના રેસ્ટોરન્ટ નામની ખાણી પીણીની હોટલ શરૂ કરી વ્યવસાય શરૂ કર્યો હતો.
ગત તા.3-9-2023ના રોજ હોટેલ સંભાળતા ભાગીદાર નીલેશભાઇ પોતાની હોટેલ પર હતા ત્યારે એક શખ્સ જમવા માટે આવ્યો હતો. હોટેલના નિયમ મુજબ પ્રથમ ટોકન લીધા બાદ થાળી પીરસવામાં આવે છે. આ શખ્સો ટોકન લીધા વિના જ જમવા બેસી ગયો હતો, જેને લઈને નીલેશભાઈએ તેઓને ટોકન લેવાનું કહ્યું હતું.હોટેલ સંચાલકના કહેવાથી શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને કેવા લાગ્યો કે, તું મને ઓળખે છે? પ્રેસ રિપોર્ટર છું. મારી પાસેથી રૂપિયા કેમ મંગાય? હવે તું જો તારી હોટેલ કઈ રીતે ચાલે છે?’
તેમ કહી જે તે સમયે આ શખ્સ ત્યાંથી ચાલ્યો ગયો હતો. બાદ ગઈકાલે ત્રણ શખ્સો હોટેલ પર આવ્યા હતા. આ ત્રણેય શખ્સોએ મોબાઈલ રેકોર્ડીંગ શરૂ કર્યું હતું અને નીલેશભાઈ પાસે ફુડનુ લાઇસન્સ માંગી, તુ પત્રકારો પાસે જમવાના પૈસા માંગે છે? તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ત્રણેય શખ્સો હોટેલ પરથી નાશી ગયા હતા. આ બનાવ અંગે નીલેશભાઈએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.