(વિપુલ હિરાણી)
ભાવનગર તા.25
રવિવારે ભાવનગર નાગરિક સહકારી બેંક ની 11 ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાઈ હતી. ભારે રસાકસી અને પ્રતિષ્ઠાના જંગ સમી આ ચૂંટણીમાં ભાજપ એ સત્તા કબજે કરી છે. કુલ 11 બેઠકોમાંથી 10 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે .જ્યારે પૂર્વ ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાય પણ વિજય બન્યા છે.
આ વખતે નાગરિક સહકારી બેંકની ચૂંટણી રાજકીય પક્ષો માટે જાણે કે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. તમામ ઉમેદવારો નાગરિક બેંકમાં સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યુ હતું. જોકે ચૂંટણીનો ટેમ્પો જામવા છતાં મતદાન ખૂબ જ ઓછું થયું છે.બેંકના 26,000 સભાસદો માંથી માત્ર 5,647 સભાસદો એ જ મતદાન કર્યું છે.
નાગરિક બેંકની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ચર્ચામાં રહી છે. ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે મામલો કોર્ટમાં ગયો મનાઈ હુકમ આવ્યો અને ફરી મનાય હુકમ ઉઠ્યો પણ અને નિર્ધારિત દિવસે જ ચૂંટણી યોજવાનો હાઇકોર્ટે હુકમ કરતા ઉમેદવારોને પ્રચાર માટે માત્ર ચાર દિવસનો સમય રહ્યો હતો. નાગરિક બેંકના 11 ડિરેક્ટરો માટે યોજાનારી ચૂંટણીમાં ત્રણ પેનલ ચૂંટણી લડી હતી. જેમાં વર્તમાન જીતુભાઈ ઉપાધ્યાયની પેનલ તેમજ પૂર્વ ચેરમેન ભરતભાઈ કોટીલાની પેનલ તથા આ વખતે પ્રથમ વખત જ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પેનલ ઉતારવામાં આવી છે.
ત્રણેય પેનલો દ્વારા જોર શોરથી કાર્યાલયોના ઉદ્ઘાટનો પણ કરવામાં આવ્યા હતા અને પ્રચાર કાર્ય પણ શરૂ કરી દેવાયેલ. જોકે ઉમેદવારોને પ્રચાર માટે માત્ર ચારેક દિવસનો જ સમય મળતા અને બેંકના 26000 થી વધુ સભાસદો હોય તમામ પાસે પહોંચવાના દરેક પેનલના ઉમેદવારો દ્વારા પ્રયત્નો કરવામાં આવયા હતા. દરેક પેનલો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગ્રુપ મીટીંગો, ડોર ટુ ડોર પ્રચાર તેમજ વિસ્તાર વાઈઝ ભોજન સમારંભ ,જ્ઞાતિ સમારંભો વિગેરે કરવામાં આવેલ. આમ ભાવનગર નાગરિક બેંકની ચૂંટણી માં વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ ઉભો થવા પામ્યો છે. જોકે મતદાન ની ટકાવારી વધી નથી. અને 5647 મતદારોએ મતદાન કર્યું હતું.
શહેરના ટાઉનહોલ ખાતે મતદાન પૂરું થયા બાદ મોડીસાંજે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જે છેક આજે સવાર સુધી ચાલુ રહી હતી. ચૂંટણીનું પરિણામ જાહેર થતાં કુલ 11 બેઠકોમાંથી 10 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે. આમ ભાજપે નાગરિક બેંક પણ કબજે કરી છે.
ઉલ્લેખ કરીએ છે કે અગાઉ ભાવનગર જિલ્લા સહકારી બેંક પણ ભાજપે કોંગ્રેસ પાસેથી આચકી લીધી હતી. હવે નાગરિક બેંક પણ કબજે કરતા ભાવનગરના સહકારી ક્ષેત્રે પણ ભાજપનો દબદબો વધ્યો છે. ચૂંટણીનું પરિણામ જાહેર થતાં સવારે 11 વાગ્યે ભાજપ દ્વારા ભવ્ય વિજય સરકસ નીકળ્યું હતું.