કિડવાઇનગર પાસે વોચ ગોઠવી દબોચી લેવાયા, રિમાન્ડની તજવીજ
રાજકોટ, તા.25
રાજકોટ શહેર એસઓજીએ 150 ફૂટ રિંગ રોડ કિડવાઇનગર પાસે વોચ ગોઠવી પોલીસમેનના પુત્ર સહિત બે ડ્રગ્સ પેડલરને રૂ.13 લાખના મેફેડ્રોન સાથે ઝડપી લીધા હતા, જેમાં મુંબઈના હાર્દિક નામના શખ્સનું નામ ખુલ્યું છે.
અત્રે કીડવાઇનગર મેઇન રોડ પર સાધના એપાર્ટમેન્ટની સામેના ભાગેથી એસ.ઓ.જી.એ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. રાણાભાઈ ચિહલાના પુત્ર મોનાર ઉર્ફે ભાણો રાણાભાઇ ચીહલા (ઉ.વ. 25, રહે. પોલીસ હેડ કવાર્ટર બ્લોક નં. 10, રૂમ નં. 501) અને બ્રીજેશ ઉદયલાલ પાલીવાલ (ઉ.વ. 25, રહે. કિડવાઇનગર બગીચાની સામે, સાધના એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફલોર રૂમ નં. 1 ભાડેથી, મુળ મુંબઇ) પાસેથી 130 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કર્યું છે. એસ.ઓ.જી. પીઆઈજે.ડી. ઝાલા અને હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશ અમરેલીયાને મળેલી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ડ્રગ્સ, 3 ફોન, કાર અને રોકડ મળી કુલ રૂ. 18.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
આરોપીની પુછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો મુંબઇના હાર્દિક હર્ષદભાઇ પરમારે સપ્લાય કર્યાની કેફીયત આપતા હાલ મુંબઇના હાર્દિક પરમારની શોધખોળ શરૂ કરાઇ છે. આ કામગીરી એસઓજીના એ.એસ.આઇ. ડી.બી.ખેર, હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઇ અમરેલીયા, ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહીલ, ધનશ્યામસિંહ ચૌહાણ, અરૂણભાઇ બાંભણીયા કોન્સ્ટેબલ મુકેશભાઇ ડાંગર તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા ફરજ પર રહ્યા હતા.
♦ સ્ટુડન્ટ અને યુવાનોને ડ્રગ્સ વેંચતા
આરોપીઓ ડ્રગ્સ મુંબઈથી લાવતા હતા કે મુંબઈથી તેને સપ્લાયર આપી જતો તે અંગે જાણકારી મેળવવા વધુ તપાસ શરૂ કરાઇ છે. રાજકોટમાં આ બન્ને આરોપી ડ્રગ્સ સ્ટુડન્ટ અને યુવાનોને વેંચતા હોવાનું અનુમાન છે.