(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25 : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ પાર્ક શક્તિધામની પાછળના ભાગમાં રહેતા હરિભાઈ રામાભાઇ ચાવડા જાતે અનુ. જાતિ (90) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા અને ત્યાં જમતા હતા ત્યારે ભોજન કરતા સમયે તેને હાર્ટ અટેકનો હુમલો આવતા તે બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેનો દીકરો નથુભાઈ હરિભાઈ ચાવડા (51) તાત્કાલિક તેને ગાડીમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી.
તરૂણ દવા પી ગયો
રવાપર ગામ પાસે આવેલ હરિ દર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતા હિરેન દિલીપભાઈ વિશ્વકર્મા (15) નામનો તરુણ કોઈ કારણોસર દવા પી જતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાો વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે.
ઉછીના રૂપિયા આપવાની ના કહેત યુવાનને માર માર્યો
વાંકાનેર નજીક આવેલ હસનપર શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા સંજયભાઈ કાંતિભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (36)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કરમશીભાઈ રવજીભાઈ વાઘેલા જાતે દેવીપુજક રહે. શક્તિપરા વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના ઘર પાસે હતા ત્યારે આરોપીએ તેની પાસે ઉછીના પૈસા માંગતા પૈસા આપવાની તેઓએ ના પાડી હતી જે બાબતનું મનદુ:ખ રાખીને આરોપીએ તેને ધોકા વડે માર માર્યો હતો બાદ તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગર ખાતે રહેતા દીપ ધર્મેન્દ્ર રાવલ (12) નામના તરુણને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
હળવદના વૃંદાવનનગરમાંથી યુવતી ગુમ
હળવદમાં આવેલ વૃંદાવનનગરમાં રહેતા ગોપાલભાઈ ભગવાનજીભાઈ જાદવ દલવાડી (51)એ તેઓની દીકરી અદીતી ગોપાલભાઈ જાદવ જાતે દલવાડી (20) ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસને આપેલ છે. વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એમ.આલ ચલાવી રહ્યા છે.
દવા પીધી
આંદરણા ગામે રહેતા પરેશભાઈ હીરજીભાઈ દંતાલીયા (37) નામના યુવાને કોઈ કારણોસર દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જસપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.
અકસ્માતમાં ઇજા
ટિંબડી ગામે રહેતો સાંકેત ગોવર્ધનભાઈ ભલાણી (27) નામનો યુવાન બાઇક લઈને જાંબુડિયા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અન્ય બાઇક સાથે અકસ્માતમાં ઇજાગ્રસ્તને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા. બનાવની આગળ વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.