(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25 : ટંકારા તાલુકાના મિતાણા નેકનામ રોડ ઉપર આવેલ ચાલીને જઈ રહેલા યુવાનને વાહન ચાલકે હડફેટે લેતા તેનું મોત નીપજયું હતું. મીતાણા ગામે રહેતા ભરતભાઈ નરસીભાઈ ઢેઢી જાતે પટેલ (35)એ ટાટા કંપનીનું કેસરી કલરનું વાહન નંબર એમએચ 03 સિવિ 3832 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેઓના ભાઈ હરેશભાઈ નરસીભાઈ ઢેઢી (40) મિતાણા નેકનામ રોડ ઉપર આવેલ ગણેશપરના પાટીયાથી થોડે આગળ મીતાણા ગામ તરફ પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે વાહન ચાલકે તેને હડફેટે લેતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન ત્યાંથી લઈને નાસી ગયેલ હોય પોલીસે વાહન ચાલકની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
આમરણ રોડે અકસ્માત | મોરબી નજીકના નાની વાવડી ગામે શક્તિધામ સોસાયટીમાં હાલ રહેતા મૂળ આમરણના રહેવાસી ગોરાભાઈ અમરાભાઇ પરમાર જાતે અનુ. જાતિ (66)એ તેના મૃતક દીકરા ઉમેશ ગોરાભાઇ પરમાર જાતે અનુ. જાતી (26)ની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. આમરણથી બગથળા ગામ તરફ જવાના રસ્તા ઉપર ગોળાઈમાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચલાવતા તેના દીકરાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને હેમરેજ થઈ ગયુ હતું જેથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જ્યાં ચાલુ સારવારે તેનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.