◙ તા.5 અને 6 દિલ્હીમાં દેશભરના ATS વડાઓની બેઠક: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ, ‘રો’ તથા આઇબીના વડા પણ હાજર રહેશે: દેશભરમાં જબરી કાર્યવાહીની તૈયારી
નવી દિલ્હી, તા.25
ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાનીઓના મુદે સર્જાયેલા વિવાદો અને ખાસ કરીને કેનેડામાં જે રીતે ખાલીસ્તાની અને પંજાબી સહિતના ગેંગસ્ટરનું ગઠબંધન સર્જાયું છે તેના પર તુટી પડવા મોદી સરકારે નિર્ણય લીધો છે અને ભારતમાં ખાલીસ્તાનીઓ સાથે સાઠગાઠ ધરાવતા ગેંગસ્ટર સામે આકરી કાર્યવાહી શરુ કરવામાં આવશે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા તા.5 અને 6ના દિલ્હીમાં ખાસ બેઠક બોલાવવામાં આવી છે.
જેમાં દેશની તમામ એન્ટી ટેરેરીસ્ટ સ્કોડ (એટીએસ)ના વડાઓ દિલ્હીમાં હાજર રહેશે અને તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોઘલ ઉપરાંત તમામ આઇબી અને રોના વડા પણ હાજર રહેશે અને તેમાં દેશભરમાં કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે. જેમાં ખાલીસ્તાની નેટવર્ક તોડી પાડવા અને તેની સાથે ગેંગસ્ટર જોડાયા છે તેને પણ ખતમ કરવા નિર્ણય લેવાયો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા આ અંગે એક મહત્વની બેઠક બાદ નેટર્વક તોડવા સૂચના અપાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ લોરેન્સ બોસનોઇ સહિતની અનેક ગેંગ જે પંજાબમાં ખાલીસ્તાનીઓ સાથે સાઠગાંઠ ધરાવે છે તેની એક યાદી તૈયાર કરવામાં આવી છે. હાલમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી 43 મોસ્ટ વોન્ટેડ અપરાધીઓની યાદી તૈયાર કરી છે.
જેમાં કેનેડામાં વસતા અનેક ગેંગસ્ટરનો સમાવેશ થાય છે તેમજ અને કેનેડામાં ખાલીસ્તાની કટ્ટરવાદીઓની હત્યા થઇ તેમાં ગેંગસ્ટરની આંતરીક લડાઇ પણ કારણ હોવાનું માનવામાં આવે છે અને કેનેડાની સરકાર તેમાં ભારત ઉપર દોષ ઢોળ્યો છે. પંજાબ, રાજસ્થાન, હરીયાણામાં આ ગેંગ સક્રિય છે અને તેમને પંજાબમાં વસતા અનેક શીખોની ચેનલ મારફત નાણા મળ્યા હોવાનું માનવામાં આવે છે અને તે રીતે તેઓ ભારતમાં પણ મોટુ સામ્રાજ્ય ધરાવતા હોય તેવા સંકેત છે. આમ હવે કેનેડા અને ભારતના ગેંગ સ્ટર વચ્ચેની સાઠગાંઠ તોડવાનો નિર્ણય લેવાયો છે.