પટના, તા.25
એક તરફ એનડીએ સામે ઇન્ડીયા ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે તે સમયે ઇન્ડીયા ગઠબંધનના એક રચયતા અને બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર ફરી એક વખત એનડીએમાં જોડાયે તેવા સંકેતો મળતા નવી હલચાલ શરુ થઇ છે.
આજે ભાજપના સ્થાપક તથા થીન્કટેંક તરીકે ગણાતા સ્વ. પંડીત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ સમારોહમાં ભાગ લેવા નીતિશકુમાર પહોંચતા જ આ અટકળોને વેગ મળ્યો હતો. ભાજપના નેતાઓ આયોજીત આ સમારોહમાં નીતીશકુમારની હાજરીએ સૌને ચોંકાવી દીધા હતા અને તેઓએ ભાજપના નેતાઓ સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
બાદમાં પત્રકારોએ તેમને આ અંગે સવાલ પૂછતા તેમણે જવાબ ઉડાવી દીધો હતો અને કહ્યું કે છોડો ભાઇ આ બાબતે શું ચર્ચા કરવાની છે. નીતીશકુમાર છેલ્લા કેટલાક સમયથી તેમના રાજદ સાથેના ગઠબંધનમાં મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે તેવું મનાઇ છે અને અગાઉ પણ તેમના અનેક વખત આ અંગે તેમના મંતવ્ય દર્શાવ્યા છે અને તેથી તેમની આ ચાલથી ફરી રાજકીય ચર્ચા શરુ થઇ છે.