જુનાગઢ તા.25 : જુનાગઢમાં મુખ્યમંત્રી આવવાના છે તે પૂર્વે ભાજપમાં ભડકો થવાના એંધાણ વર્તાય રહ્યા છે. એક સીનીયર કોર્પોરેટર એભા કટારાએ પોતાનું રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વધુ ત્રણેક નગર સેવકો પણ મનપાની સતાધીશોની કામગીરીથી નારાજ થઈ રાજીનામા આપી દેવાના મુડમાં છે. નારાજ કોર્પોરેટરોને મનાવવા માટે ભાજપના આગેવાનોએ ડેમેજ હાથ ધર્યાનું જાણવા મળી રહ્યું છે. જુનાગઢ અને ભાજપમાં ભડકો થવાની શકયતા દેખાતા જવાબદારો કવાયત કરી રહ્યા છે.
ભાજપના રાજમાં 60માંથી 54 ભાજપના કોર્પોરેટરો જંગી બહુમતીથી સતા હાંસલ કરી જેમાં અણઘણ વહીવટના કારણે નગરસેવકો ખુબ જ નારાજ થતા અંદરો અંદર વિરોધ અનેકવાર થઈ રહ્યો છે મનપાનો વહીવટ સંભાળતા પાંચેક આગેવાનો પોતાના સ્વાર્થ ખાતર અધિકારીઓને છાવરી રહ્યા છે. આવી અનેક બાબતોથી ત્રાહીમામ પોકારી ગયોલા કોર્પોરેટર વોર્ડ નં.9ના એભા કટારા અને યાત્રાળુ સમિતિના ચેરમેન પદે નિષ્ઠાથી ફરજમાં હતા તેઓએ રાજીનામું કમિશ્નરને મોકલી દીધુ હતું. મંજુરી કરવાની વિનંતી કરી છે.
એભા કટારા 3 ટર્મથી સતત ચુંટાઈ આવે છે આ પહેલા તેમના ભાઈ કરમણ કટારા ભાજપમાં ડે.મેયર પદ સંભાળ્યું હતું. ભાજપ સાથે 35 વર્ષથી સંકળાયેલા છીએ તેમ જણાવ્યું હતું. વડાપ્રધાને ખુબજ આપ્યું છે. છતાં નારાજ થયાના કારણ અંગે જણાવ્યું હતું કે ભાજપના જ અમુક લોકો પોતાનું રાજકારણ ખતમ કરવા ઉપર સુધી અમારા વિષે ખરાબ મેસેજ આપવા માંગતા હોવાથી ત્રસ્ત થઈને નગર સેવક તરીકેનું રાજીનામું આપી દીધું છે. ભાજપના સામાન્ય કાર્યકર તરીકે તેઓ કામ કરશે. જુનાગઢના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ આવે છે પરંતુ તેનું આયોજન પાંચ સાત અધિકારીઓ જ નકકી કરે છે જેમાં ભુગર્ભ ગટરનો મુદો હોય કે કચરાનું કરોડોનું ટેન્ડર હોય આવી તમામ બાબતોમાં પાર્ટી ફંડના નામે મસ મોટા સેટીંગો કરી લેવામાં આવી રહ્યા છે.
તેવા આક્ષેપો થઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ ભાજપના અન્ય નગર સેવકે પોતાના વોર્ડમાં સામાન્ય એવા રોડ રસ્તા પાણી જેવા કામો ન થતા હોવાથી કમિશ્નરની ચેમ્બર સામે ધરણા ક્રવાની ચીમકી ઉચ્ચારી હતી. ભાજપના અનેક કોર્પોરેટરોના કામો થતા નથી અને ભાજપના જવાબદારો પાર્ટી ફંડના નામે મસમોટો ભ્રષ્ટાચાર કરી પાર્ટીના આદેશ હોવાની ડંફાસો મારી રહ્યા છે, હવે પાણી ઉપરથી ચાલી જતા ભાજપના જવાબદારો ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. કારણ કે મુખ્યમંત્રી જુનાગઢ આવી રહ્યા છે તે સમયે ભાજપના નગરસેવકોની નારાજગી સામે આવે, અન્ય રાજીનામા પડે તો તમામ વહીવટ ખુલ્લો પડી જાય તેમ છે. જેથી તેને ડેમેજ કંટ્રોલ કરવા સિવાય કોઈ રસ્તો નથી કે વિકલ્પ નથી.