♦ લોકોમાં પણ નોટ બદલવાનું હળવુ થઈ ગયુ; આખા દિવસમાં માંડ એકાદ-બે ગ્રાહકો આવતા હોવાનો નિર્દેશ
રાજકોટ,તા.25
નોટબંધી પાર્ટ-ટુ હેઠળ કેન્દ્ર સરકારે આગામી 30 મી સપ્ટેમ્બરે 2000 ની નોટ પર પ્રતિબંધ જાહેર કરેલો છે.આ મુદતને આડે એક સપ્તાહ બાકી રહ્યું છે. તે પૂર્વે જ મોટાભાગની આ નોટો સગેવગે થઈ ગઈ હોય તેમ બેંકો કે બજારોમાં દેખાતી બંધ થઈ ગઈ છે. બેંકોમાં પણ 2000 ની નોટ ખાસ આવતી નથી તેવી જ રીતે
બજારોમાં પણ ભાગ્યે જ જોવા મળી રહી છે.
કેન્દ્ર સરકારે 2000 ની નોટ રદ કરવાનો નિર્ણય અંદાજીત છ માસ પૂર્વે લીધો હતો. પ્રથમ નોટબંધીની સ્થિતિનું પુનરાવર્તન રોકવા આ વખતે પર્યાપ્ત સમય આપવામાં આવ્યો હતો. 30 સપ્ટેમ્બર બાદ તે બંધ થવાનું જાહેર થયુ હતું. પ્રારંભીક એકાદ સપ્તાહના ગભરાટ-દોડધામ બાદ પરિસ્થિતિ થાળે પડી ગઈ હી. કારણ કે નોટ વટાવવા કે બદલાવવા પૂરતો સમય હોવાથી લોકોને હૈયે ધરપત થઈ ગઈ હતી. આ ગાળામાં બેંકોમાંથી પણ નોટ બદલવાની કે ભરવાની સુવિધા હોવાથી લોકોને કોઈ મુશ્કેલી પડવાને અવકાશ રહ્યો ન હતો.
નોટ બદલાવવા માટે લોકોએ ઓળખ રાખવા જેવા જુદા જુદા નિયમો ઘડયા હોવાથી પ્રારંભીક ગણગણાટ હતો તે પણ સમય જતાં શાંત બની ગયો હતો. નોટ બદલવાની લાઈનો પણ દુર થઈ ગઈ હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઓળખના પુરાવા વિના જ નોટો બદલાવી દેવાની સુવિધા આપી હતી. પ્રારંભીક દિવસોમાં જોરદાર ઘસારા વચ્ચે લાઈનો લાગતી હતી. સમયાંતરે હળવી થવા લાગી હતી. બેંકનાં એક સીનીયર અધિકારીએ કહ્યું કે 2000 ની નોટ બદલાવવા હવે કોઈ ફરકતુ પણ નથી. કયારેય એકાદ-બે ગ્રાહકો આવી જાય છે. તેનો અર્થ એવો થાય છે કે મોટાભાગની નોટો બદલાવાઈ કે વટાવાઈ ગઈ છે.
અન્ય રાષ્ટ્રીયકૃત ખાનગી બેંકોમાં ઓળખના પુરાવાના આધારે નોટ બદલીની સીસ્ટમ લાગુ કરી હતી અને તેમાં પણ બધુ ઓછા ગ્રાહકો આવી રહ્યા છે. બેંકીંગ સુત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય લોકો પાસે હવે 2000 ની નોટ હોવાની શકયતા નથી. વેપાર-ઉદ્યોગકારોએ પણ મોટાભાગે નિકાલ કરી નાખ્યો હોવાનું સ્પષ્ટ છે.નોટ બંધ થયાની 30 સપ્ટેમ્બરની ડેડલાઈનને આડે એક સપ્તાહ બાકી છે.ત્યારે આવતા અઠવાડીયામાં બેંકોમાં આ નોટનો ફલો કેવોક રહે છે તેના પર મીટ છે.
પરાબજાર-દાણાપીઠમાં પખવાડીયાથી નોટ દેખાઈ નથી: વેપારીઓ
દાણાપીઠ-પરાબજારનાં વેપારીઓએ વાતચીતમાં એમ કહ્યુ કે એકાદ પખવાડીયાથી બજારમાં 2000 ની નોટ દેખાતી બંધ થઈ ગઈ છે.ગ્રાહકો પાસે પણ આ નોટ ન હોવાની છાપ છે. કયારેક કયાંક બે-પાંચ નોટ આવી જાય છે. છેલ્લા દિવસ સુધી સ્વીકારવાની તૈયારી છે.
વેપારીઓ ગ્રાહકોમાં કોઈ ઉહાપોહ કે ગભરાટ નથી: માંડ એકાદ નોટ આવે છે: ટેકસટાઈલ્સ એસો.
ટેકસટાઈલ્સ મર્ચંટ એસોસીએશનનાં પ્રમુખ હિતેષ અનડકટ તથા મહેશ મહેતાએ જણાવ્યું હતું કે બજારમાં ભાગ્યે જ 2000 ની નોટ આવે છે. માંડ એકાદ ગ્રાહક આ નોટ આપતા હોય છે. કોઈ ખાસ ફલો નથી. એટલે વેપારીઓ કે ગ્રાહકોમાં કોઈ ગભરાટ કે ઉહાપોહ પણ નથી. મોટાભાગની નોટોનો નિકાલ થઈ ગયો હોવાની શકયતા છે.
એકાદ મહિનાથી બજારમાં નોટ ફરતી ઓછી થઈ છે:પ્રણંદ કલ્યાણી
ધર્મેન્દ્ર રોડ વેપારી મંડળનાં પ્રમુખ પ્રણંદ કલ્યાણીએ જણાવ્યું કે છેલ્લા એકાદ માસથી 2000 ની નોટનો ફલો બંધ થઈ ગયો છે. ભાગ્યે જ જોવા મળે છે વેપારીઓ તેનો સ્વીકાર કરે જ છે. છેલ્લા દિવસ સુધી લેવાનો વેપારીઓનો મૂડ છે.
છેલ્લા બે દિવસ નોટો સ્વીકારાશે
કોઠારીયાનાકા-ભૂપેન્દ્રરોડ વેપારી મંડળનાં પ્રમુખ ક્રિપાલ કુંદનાનીએ કહ્યું કે 2000 ની નોટો ભાગ્યે જ આવી રહી છે. તે બંધ થવાને આડે થોડા દિવસો જ છે.વેપારીઓએ તે સ્વીકારવાનું ચાલુ રાખ્યુ છે. 30 મી સુધી બેંકોમાં ભરી શકાય તેમ હોવાથી 29 મી સુધી ગ્રાહકો પાસેથી સ્વીકારવાનો નિર્ણય વેપારીઓએ લીધો છે 29મીએ બોર્ડ મારીને આ નોટ લેવાનું બંધ કરી દેવાશે.
બીજી તરફ સોનીબજારના જવેલર્સોએ પણ વાતચીતમાં એમ જણાવ્યું હતું કે કયારેક થોડી ઘણી નોટો આવે છે. બીલમાં જ તેનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે.જવેલર્સો નાણાં રોજેરોજ બેંકોમાં જમા કરતા હોય છે એટલે છેલ્લા દિવસ સુધી નોટો સ્વીકારાશે.