લખનૌ, તા.25
ભાજપના ધારાસભ્યના ફલેટમાં કર્મચારીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર ફેલાઇ છે. આપઘાતનું કારણ હજુ બહાર નથી આવ્યું. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ ભાજપના ધારાસભ્ય યોગેશ શુક્લના હઝરતગંજ સ્થિત ફલેટમાં રવિવારે મોડી રાત્રે તેમના મીડિયા સેલના કર્મચારીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દરવાજો તોડીને પોલીસ અંદર ગઇ હતી, પોલીસે મૃતકની લાશને ફાંસાના ફંદામાંથી ઉતારી હતી, હજુ સુધી કર્મચારીના આપઘાતનું કારણ બહાર આવ્યું નથી, પોલીસે તપાસ શરુ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવાન બારાબંકીનો 24 વર્ષીય શ્રેષ્ઠ તિવારી બીકેટ ધારાસભ્યના મીડીયા સેલમાં કામ કરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે આપઘાત કરતા પહેલા કર્મચારીએ પોતાના કોઇ પરિચિત કે સંબંધીને કોલ કરીને કહ્યું હતું કે તે આપઘાત કરવા જઇ રહ્યો છે, જેને તેણે કોલ કર્યો હતો તેણે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.