રાજકોટ, તા. 25
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કાલની ગુજરાત મુલાકાત બાદ ફરી મંત્રીમંડળ અને સંગઠનમાં ફેરફારના વાદળો ઘેરાઇ ગયા છે. મંત્રીમંડળના સભ્યોમાં અને ખાતાઓમાં પણ કેટલાક ફેરફાર થઇ શકે છે.
આવતીકાલે નરેન્દ્રભાઇ મોદી ગુજરાત આવે છે. આ બાદ એક સપ્તાહમાં કેબીનેટમાં ફેરફારની ચર્ચા થવા લાગી છે. સંગઠનમાં પણ ફેરફાર સાથે સત્તા અને પાર્ટીમાં નવી નિમણુંકો અંગે પક્ષમાં ચર્ચાઓ ચાલે છે. અમુક મંત્રી નવી કેબીનેટમાં સામેલ થાય એવી શકયતા છે. આમ તો થોડા દિવસો પહેલા આવા ફેરફાર શકય હતા પરંતુ ગાંધીનગરમાં મંત્રીઓના ખાતામાં ફેરફારની વાતો ઉડવા લાગતા પાર્ટી કાર્યાલયમાં હલચલ વધી ગઇ છે.
ગત તા. 27 જુલાઇના રોજ વડાપ્રધાન રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરવા આવ્યા હતા. તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને મળ્યા હતા. પ્રધાનોની કામગીરીનો તેઓ રીપોર્ટ લે છે અને રીવ્યુ પણ જાણે છે. આથી કાલની મુલાકાત બાદ રીપોર્ટ કાર્ડના આધારે ફેરફારો થઇ શકે છે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ આવું બનતું રહ્યું છે.
સંગઠનમાં મોટા ફેરફારની તૈયારી : ડો.બોઘરાને સૌરાષ્ટ્રનો હવાલો?
વડાપ્રધાનની છેલ્લી મુલાકાત બાદ પાર્ટીમાં કડાકાભડાકા થયા હતા
પ્રદેશ ભાજપ સંગઠનમાં ફેરફારના એંધાણો વચ્ચે હવે સૌરાષ્ટ્ર ઝોનનો હવાલો પ્રદેશ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરાને સોંપવામાં આવે તેવું માનવામાં આવે છે. વડાપ્રધાનની છેલ્લી મુલાકાત બાદ રહસ્યમય કારણોથી મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામુ પડયું હતું.
આ બાદ ભાર્ગવ ભટ્ટે પણ રાજીનામુ આપ્યું હતું. મંત્રી પંકજ ચૌધરી પણ હોદો છોડી ચૂકયા છે. હાલ માત્ર એક મહામંત્રી પાર્ટીમાં કામ કરી રહ્યા છે. હવે નવા મહામંત્રીઓની નિમણુંકની શકયતા વચ્ચે સૌરાષ્ટ્રની જવાબદારી ડો.ભરત બોઘરાને મળી શકે છે.