♦ સ્વ. વિઠ્ઠલભાઈ વખતથી ‘ટોળકી’ ચંચુપાત કરે છે, પેઢી બદલાઈ ગઈ છતાં કેડો મુકતી નથી; હવે લીલા સંકેલી લ્યે અન્યથા ‘ભરી પીવા’ની તૈયારી: જામકંડોરણાના સહકારી સંમેલનમાં ‘આંતરિક વિખવાદ’ મામલે જયેશ રાદડીયાના ગર્ભિત વિધાન
રાજકોટ,તા.25
રાજકોટ જીલ્લાના સહકારી રાજકારણમાં કેટલાક વખતથી ચાલી રહેલા સ્ફોટક આંતરિક વિવાદ વચ્ચે પુર્વ મંત્રી અને સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ ગર્ભિત વિધાનો કર્યા છે. સહકારી જગતમાં પેઢી બદલાઈ ગઈ હોવા છતાં પાંચ લોકોની ટોળકી સખળડખળ કરવાનું મુકતી નથી. હવે શાનમાં નહીં સમજે તો ખુલ્લી છાતીએ લડાઈ લડવાની અને નામોનિશાન મિટાવી દેવાની તૈયારી છે.
જામકંડોરણા ખાતે જીલ્લા બેંક, ડેરી સહિત સાત સહકારી સંસ્થાઓની સંયુક્ત સામાન્ય સભા યોજવામાં આવી હતી તેમાં કુંવરજી બાવળીયા સહિતના પ્રધાનો તથા દિલીપ સંઘાણી સહિતના સહકારી નેતાઓ અને અન્ય હજારો સભાસદો હાજર હતા. જીલ્લા બેંકના ચેરમેન અને રાજકોટના સહકારીક્ષેત્ર પર પ્રભુત્વ ધરાવતા જયેશ રાદડીયાએ પોતાના પ્રવચન દરમ્યાન સહકારી ક્ષેત્રની પ્રગતિનો ચિતાર રજુ કરવાની સાથોસાથ જીલ્લાના સહકારી રાજકારણમાં ચાલતા આંતરિક વિખવાદ પર આક્રમક વિધાનો કર્યા હતા.
સહકારી ક્ષેત્રના કાવાદાવાથી વ્યથિત હોવાનું જણાવીને જયેશ રાદડીયાએ કોઈનું નામ લીધા વિના કહ્યું કે પાંચ લોકોની ટોળકી સહકારી ષડયંત્ર રચી રહી છે. આ કોઈ રાજકીય ક્ષેત્ર નથી. ટોળકી કાવાદાવા બંધ કરે અને તેમ નહીં કરે તો પોતે (યુ) રાજકીય માણસ છે. શામ દામ દંડ અને ભેદ જ નહીં તેનાથી પણ ઉપરનુ વધુ કરતા આવડે છે. ગમે તે કરી શકુ છું.
પીઠ પર પાછળથી શરૂ કરવાને બદલે સામી છાતીએ લડવાની સિંહગર્જના કરવા સાથે કહ્યું કે મારા સ્વ.પિતા અને સહકારીક્ષેત્રના સાવજ વિઠ્ઠલભાઈ રાદડીયાના વખતથી આ ટોળકી ચંચુપાત કરી રહી છે. સહકારી જગતની પેઢી બદલાઈ ગઈ હોવા છતાં ટોળકી ષડયંત્રના કારસ્તાનો મુકતી નથી એટલે હવે જાહેર મંચ પરથી ચેતવણી આપુ છે કે ટોળકી પોતાની લીલા સંકેલી લ્યે અન્યથા પોતે કોઈપણ રીતે ટોળકીને ભરી પીવા તૈયાર છે.
જયેશ રાદડીયાના આ વિધાનોના સહકારી ક્ષેત્રમાં ઘેરા પ્રત્યાઘાતો પડવાની અને સહકારી લડાઈ વધુ વકરવાની આશંકા આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જીલ્લા બેંક તથા લોધિકા સંઘમાં ખાસ કરીને કેટલાંક વખતથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. રાજકોટ જીલ્લા બેંકમાં કરોડો રૂપિયા કટકટાવીને ભરતી કૌભાંડ આચરવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે અને તે હિયરીંગના તબકકે છે. નીતીન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલીયા તથા વિજય સખીયા જેવા આગેવાનોએ આ કેસ દાખલ કર્યો છે.
હાઈકોર્ટમાં કેસ દાખલ કરતા પુર્વે તેઓએ ભાજપ નેતાગીરી તથા સરકારનું પણ ધ્યાન દોર્યુ હતું. આ મામલે બન્ને પક્ષોને સમાધાન કરાવવા માટે નરેશ પટેલ વગેરેએ મધ્યસ્થી કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યુ ન હતું.
જીલ્લા બેંક ઉપરાંત આ જુથ લોધિકા સંઘમાં પણ શાસકો સામે મેદાને પડયું છે. લોધિકા સંઘમાં આ જુથની બહુમતી હોવાનું કહેવાય છે અને તેના જોરે વિવિધ તબકકે અનેક નિર્ણયો-ઠરાવો રદ કરાવ્યા હતા. લોધિકા સંઘ મામલે પણ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.