રાજકોટ-જામનગર રોડ પર ટ્રાફીક ડાયવર્ટ કરાયો: અધિક કલેકટર દ્વારા જાહેરનામુ

25 September 2023 04:45 PM
Jamnagar Rajkot
  • રાજકોટ-જામનગર રોડ પર ટ્રાફીક ડાયવર્ટ કરાયો: અધિક કલેકટર દ્વારા જાહેરનામુ

♦ બુધવારે રાજકોટ-ઓસ્ટ્રેલીયા વચ્ચે રમનાર ક્રિકેટ મેચને પગલે

♦ તા.27ના સવારના 9 થી તા.28ના 3 વાગ્યા સુધી જામનગરથી રાજકોટ આવતા મોટા વાહનો માટે પડધરી મોવૈયા સર્કલથી ડાયવર્ઝન: ટંકારા થઇ રાજકોટ આવી શકશે

રાજકોટ, તા.25
ખંઢેરી ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડીયમમાં આગામી તા.27 સપ્ટેમ્બરના ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આંતરરાષ્ટ્રીય વન-ડે રમાનાર હોય જેને અનુલક્ષીને અધિક જિલ્લા કલેકટર એસ.જે. ખાચર દ્વારા રાજકોટ-જામનગર રોડ પર તા.27ના સવારના 9 થી તા.28ના 3 વાગ્યા સુધી ટ્રાફીક ડાયવર્ટ કરવા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયેલ છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના આ આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટ મેચમાં 30 હજાર જેટલા પ્રેક્ષકો વાહનો સાથે ઉમટી પડનાર હોય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

જે અંતર્ગત તા.27ને સવારે 9-00 થી તા.28ના બપોરે 3-00 વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને (ટ્રક, ટેન્કર, ટ્રેલર વિ.) પડધરી-મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઇ રાજકોટ તરફ આવી શકશે અથવા પડધરી-નેકનામ-મીતાણા થઇ રાજકોટ તરફ ડાયવર્ઝન લઇ શકશે.

આ હુકમનો ભંગ કરનારા સામે શિક્ષાત્મક પગલા લેવાશે જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા ક્રિકેટ મેચના કામે ફરજ પર રોકેલા વાહનો, એસ.ટી. બસ, સરકારી વાહનો, શબવાહીની, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાયટર જેવા વાહનો તેમજ જે લોકો ક્રિકેટ બોર્ડની ટીકીટ ખરીદીને કે પાસના આધારે ક્રિકેટ મેચ નિહાળવા ખંઢેરી સ્ટેડીયમ જતા હોય તેવા વાહન ચાલકો તેમજ ખંઢેરી સ્ટેડીયમની આસપાસના ગામોમાં રહેતા હોય તેવા વાહન ચાલકોને આ જાહેરનામુ લાગુ પડશે નહીં.


Related News

Advertisement
Advertisement
Advertisement