માધાપર ચોકડી SIX લેન ઓવરબ્રીજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ-લોકાર્પણ

25 September 2023 04:47 PM
Rajkot Saurashtra
  • માધાપર ચોકડી SIX લેન ઓવરબ્રીજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ-લોકાર્પણ
  • માધાપર ચોકડી SIX લેન ઓવરબ્રીજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ-લોકાર્પણ
  • માધાપર ચોકડી SIX લેન ઓવરબ્રીજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ-લોકાર્પણ

► માળખાકીય વિકાસ થકી નવા સીમાચિહનો સ્થાપવામાં ગુજરાત સતત અગ્રેસર: બજેટમાં 20,600 કરોડની ફાળવણી

► ઉતારૂઓ અને ઔદ્યોગીક વાહનોને આવન-જાવનમાં હવે સુગમતા:લોકાર્પણ પ્રસંગે મંત્રીઓ-ધારાસભ્યો-સાંસદોના હસ્તે શ્રીફળ વધેરાયા: ટ્રાફીક સમસ્યા હલ થતા રાહત

રાજકોટ,તા.25 : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું હતું. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એકાત્મવાદના પ્રણેતા દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે શબ્દાંજલિ અર્પિત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પાયાની આંતરમાળખાકીય જેવી કે વીજળી, રસ્તા, નેટવર્ક જેવી સુવિધાઓ રાજયના દરેક વિસ્તાર સુધી પહોંચે તેવી કાર્ય-સંસ્કૃતિ વિકસાવી છે, આ પરંપરાને રાજ્ય સરકારની ટીમ આગળ ધપાવી આ સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહી છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ આવનજાવનમાં વધુ સગવડ મળશે. આ ફ્લાયઓવર થકી જામનગર- રાજકોટ વચ્ચે અવરજવર કરતા નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને જરૂરી આંતરમાળખાકીય સુવિધાથી સજજ બનાવી અન્ય રાજ્યો માટે રોલ મોડલ બનાવ્યું હતું. દેશમા 9 વર્ષમાં 3 લાખ 28 હજાર કી. મી.ના ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે. દેશમાં રોજના 37 કી. મી. હાઈવેનુ નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢ માળખાને વધુ વિકસિત કરવા માટે આ વર્ષના બજેટમાં રૂ।.20,600 કરોડ જેટલી રકમ અને હાઇવેને ફોરલેન બનાવવા માટે 2800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 2200 કરોડના ખર્ચે ત્રણ હાઇવેને સિકસલેન કરવાની કામગીરી પ્રગતિમાં છે.

હાઇવે સાથે મોટા શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ વધે તે માટે તેના રસ્તાઓને વધુ વિકસિત કરવાની રાજય સરકારની નેમ છે. પ્રધાનમંત્રીના આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ છે.આ પ્રસંગે ઉપસ્થિત તમામ મંત્રીઓ ધારાસભ્યો સાંસદોના હસ્તે શ્રીફળ વધેરવામાં આવ્યું હતું. કલેક્ટર પ્રભવ જોશીએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ઓવરબ્રિજના પ્રવેશ પાસે પરંપરાગત રીતે શ્રીફળ વધેરીને બ્રિજને ખુલ્લો મુક્યા બાદ શુભારંભ થયેલા બ્રિજ પર સફર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના હસ્તે શરૂ થનાર આ બ્રીજ રૂ।.60 કરોડથી વધુના ખર્ચે બન્યો છે, તેની લંબાઇ 1125 મીટર અને 2સ 11 મીટર પહોળાઇ છે, આ ઓવરબ્રિજની બંને તરફ 8.8 મીટર પહોળાઈના સર્વિસ રોડ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

આ બ્રીજ સ્ટ્રીટ લાઇટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની સુવિધાથી સજ્જ છે. ઓવરબ્રિજના વાહનની સુગમ અવરજવર માટે માધાપર ચોકડી પર 50 મીટર અને માધાપર ગામથી ઈશ્વરીયા પાર્ક તરફ જવા માટે 30 મીટર પહોળાઈનું જંકશન પણ બનાવવામાં આવેલ છે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન ઠાકર, દંડક મનીષભાઈ રાડીયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ, અગ્રણીઓ મુકેશભાઈ દોશી, અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો. માધવ, કમલેશ મિરાણી, પોલિસ કમિશનર રાજુ ભાર્ગવ, નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચર, પ્રાંત અધિકારી સંદીપ વર્મા તેમજ વિવેક ટાંક, ડી.સી.પી ભાર્ગવ પંડ્યા તેમજ પૂજા યાદવ, નાયબ કાર્યપાલક ઇજનેર કે.એન.ઝાલા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધી સોસાયટી બાજુનો સર્વિસ રોડ હજુ બંધ
જાહેરનામું હજુ પ્રસિધ્ધ નહીં થતા વળતરનો પ્રશ્ન હજુ લટકતો
રાજકોટ તા.25 : રાજકોટના પ્રવેશદ્વાર સમા માધાપર ચોકડી વિસ્તારમાં રૂા.64 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીકસલેન ઓવરબ્રીજનું આજે સવારના રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ-લોકાર્પણ થતા આ વિસ્તારની ટ્રાફીક સમસ્યામાંથી મહદ અંશે છુટકારો થતા વાહન ચાલકોને રાહત થવા પામી છે.

જોકે આ માધાપર બ્રીજનું લોકાર્પણ થવા છતા હજુ ગાંધી સોસાયટી બાજુનો સર્વિસ રોડ હજુ બંધ રહેવા પામેલ છે. માધાપર બ્રીજના ગાંધી સોસાયટી બાજુના સર્વિસ રોડ બનાવવા માટે ગાંધી સોસાયટીના કોમન પ્લોટની જમીન લેવામાં આવેલ છે. પરંતુ આ જમીન સંપાદન અંગેનું જાહેરનામું હજુ કલેકટર તંત્ર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ ન હોય વળતરનો પ્રશ્ન હજુ જેમનો તેમ અધ્ધરતાલ લટકી રહ્યો છે.

જો કે સાંજ સુધીમાં કલેકટર તંત્ર દ્વારા આ જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. અહીં એ ઉલ્લેખનીય છે કે માધાપર બ્રીજનો ગાંધી સોસાયટીનો આ સર્વિસ રોડ તેની ખુબ ડીઝાઈન કરતા નાનો થયેલ છે. તેમજ હજુ આ સર્વીસ રોડ ખુલ્લો નહીં થતા આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement