રાજકોટ,તા.25
મોરબી રોડ પર જકાતનાકા પાસે ખાનગી બસમાં મુસાફરો બેસાડવા માટે ધંધાની હરીફાઈમાં એક શખ્સે કલીનરને પાઇપ માર્યો હોવાની ઘટના બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજસ્થાન રહેતા અને જૂનાગઢથી રાજસ્થાન રૂટની બસમાં ક્લીનર તરીકે કામ કરતા વિજયકુમાર લૂંભારામ ચૌધરી નામનો 35 વર્ષનો યુવાને બી ડિવિઝન પોલીસ મથકમાં ગણેશ ટ્રાવેલ્સ વાળા વિષ્ણુ ઉર્ફે વિષ્ણરામ હનુમાનરામ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, પોતે પોતાની બસમાં જૂનાગઢથી રાજસ્થાન ફેરો કરતા હતા ત્યારે મોરબી રોડ પર જકાતનાકા પાસે મુસાફરોને બોલાવતા સામે વાળા વિષ્ણુએ માથાકૂટ કરી પાઇપ મારી દીધો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલાં યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વિષ્ણુ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.