નવી દિલ્હી, તા.25
ભારતમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પુર્વે પાંચ મહત્વના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તે પૂર્વે કેન્દ્ર સરકાર મતદારોને રીઝવવા માટે હોમલોન ક્ષેત્રમાં 600 અબજની વ્યાજ રાહત સ્કીમ જાહેર કરે તેવા સંકેત છે.
કેન્દ્ર સરકારના આધારભૂત સૂત્રોએ કહ્યું કે નાની હોમલોન માટે સરકાર મોટી સ્કીમ જાહેર કરવાની તૈયારીમાં છે અને બેંકોને સ્કીમ ઘડી કાઢવા માટે કહેવામાં આવ્યું છે. ગત મહિને સરકારે રાંધણ ગેસમાં ભાવ ઘટાડો જાહેર કર્યો હતો, હવે હોમલોનમાં વ્યાજ સબસીડી જાહેર કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
નવી હોમલોન વ્યાજ સબસીડી યોજના અંતર્ગત અંદાજીત 600 અબજ રૂપિયાની યોજના હશે અને તે પાંચ વર્ષ માટે લાગૂ કરાશે.આવતા બે મહિનામાં બેંકો મારફત આ સ્કીમ લોંચ કરવાની દિશામાં વિચારણા હાથ ધરવામાં આવી છે.
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સ્વતંત્રતા દવસના ભાષણમાં આઝાદીના અમૃત વર્ષ અંતર્ગત મહત્વની યોજના આપવાનો સંકેત આપ્યો હતો પરંતુ વિગતો જાહેર કરી ન હતી.
સુત્રોના કહેવા પ્રમાણે 9 લાખ રૂપિયા સુધીની હોમલોન પર 3 થી 6.5 ટકાની વાર્ષિક વ્યાજ સબસીડી આપવામાં આવે તેવી શક્યતા છે. 50 લાખથી ઓછીની 20 વર્ષના સમયગાળાની હોમલોનના ગ્રાહકોને પણ સૂચિત સ્કીમમાં આવરી લેવામાં આવે તેવી શક્યતા છે.વિધાનસભા તથા લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર માટે મોંઘવારીનો પડકાર છે જ તેવા સમયે લોકોને રાહત આપવા મસમોટી સ્કીમ જાહેર થઇ શકે છે.