લખનૌ: મહેન્દ્ર એન્ડ મહીન્દ્રાની સ્કોર્પીયો કારમાં સફર કરનાર એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થતા તેના પિતાએ કંપનીના માલીક આનંદ મહીન્દ્રા સહિત 13 લોકો સામે છેતરપીંડી સહિતની ફરિયાદ સાથે કેસ કર્યા છે. કાનપુરમાં 60 વર્ષીય રાજેશ મિશ્રાએ તેમની ફરિયાદમાં જણાવ્યું કે 2020માં તેઓએ કાનપુરની ચૌકી ખાતેની કંપનીના શોરૂમમાંથી કાર ખરીદી હતી. 14 જાન્યુ. 2022ના તેનો પુત્ર આ કારમાં સફર કરતા હતા તે સમયે નડેલા અકસ્માતમાં તેનું મૃત્યુ થયું પણ તેમાં કારની એરબેગને જવાબદાર ગણાવી છે જે અકસ્માત સમયે સમયસર નહી ખુલતા તેના પુત્રને ગંભીર ઈજા થઈ અને તેનું મૃત્યુ થયું. પોલીસને આ અંગે રિપોર્ટ કર્યા પણ કોઈ સુનાવણી થઈ ન હતી અને તેણે બાદમાં કોર્ટનો આશરો લીધો છે.