રાજકોટ,તા.25 : લોકસભાની આગામી ચૂંટણી માટે રાજકીય પક્ષોની સાથે ચૂંટણીપંચ દ્વારા જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલે તા.26ના રાજકોટ સહિત રાજયભરના કલેકટરો, અધિક કલેકટરોની ખાસ તાલીમ આયોજિત કરવામાં આવેલ છે.
આ તાલીમવર્ગમાં ભાગ લેવા માટે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી તથા અધિક કલેકટર ખાચર ગાંધીનગર જવા માટે કાલે વહેલી સવારના રવાના થનાર હોવાનું જાણવા મળ્યું છે.તેમજ તા.3 ઓકટોબરથી રાજકોટના માધાપર ખાતે ઈ.વી.એમ.મશીનના વેર હાઉસ ખાતે બેંગ્લોરની ભેલ કંપનીના ઈજનેરોની ટીમ દ્વારા ઈ.વી.એમ.વી.વી.પેટનું ર્ફસ્ટ લેવલ ચેકીંગ શરૂ કરવામાં આવનાર છે.
ઈ.વી.એમ.વી.વી.પેટની તપાસણી માટે બેંગ્લોરની ભેલ કંપનીના ઈજનેરોની ટીમ આગામી તા.2 ઓકટોબરથી જ રાજકોટમાં ધામા નાંખી દેનાર છે. ઈ.વી.એમ.વી.વી.પેટની આ તપાસણીની કામગીરી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવનાર છે.આ માટે ભાજપ કોગ્રેસ બસપા સામ્યવાદી પક્ષ અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓને કલેકટરતંત્ર દ્વારા આમંત્રણ પાઠવી દેવામાં આવેલ છે.