♦ બ્રિજેશ મુંબઈથી ડ્રગ્સ લાવતો, પોલીસ પુત્ર ભાણા સિવાય અન્ય પેડલરો પણ રાખ્યા હતા, રાજકોટ આવ્યા બાદ અંદાજે 200 લોકો સુધી એમડીની પડીકીઓ પહોંચતી
રાજકોટ, તા.25
રાજકોટમાં ડ્રગ્સની હેરફેર પણ એસઓજીની ચાંપતી નજર છે. તેમ છતાં બંધાણીઓ આ ધંધો ભૂલતા ન હોય તેમ 130 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા એએસઆઈના પુત્ર મોનાર ઉર્ફે ભાણો રાણાભાઈ ચીહલા(ભરવાડ) અને કિડવાઈ નગરમાં રહેતા મૂળ મુંબઈના બ્રિજેશ ઉદયલાલ પાલીવાલને એસઓજીની ટીમે પકડ્યા હતા. એ કેસમાં ’સાંજ સમાચાર’ ઇન્વેસ્ટિગેશનમાં કેટલીક વિગતો બહાર આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, બ્રિજેશ દર અઠવાડિએ મુંબઈથી 100 ગ્રામ ડ્રગ્સ લાવતો હતો. તે ભાણા જેવા પેડલરને ડ્રગ્સ આપતો અને ભાણો 5 ગ્રામની પડીકીઓ બનાવી બંધાણીઓને વેચતો. ભાણો જૂનો બંધાણી છે. તે ડ્રગ્સમાં કટ મારતો. એટલે કે, પોતે પીવા માટે ડ્રગ્સ લાવતો ઉપરાંત બીજું ડ્રગ્સ વેચી તેમાંથી પોતાનો ખર્ચ પણ કાઢતો. બ્રિજેશએ ડ્રગ્સના રવાડે ચડેલા વિદ્યાર્થીઓ અને યુવાનોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. પોલીસનું એવું અનુમાન છે કે, બ્રિજેશ પાસે ભાણા જેવા બીજા લોકો પણ છે જે તેની પાસેથી ડ્રગ્સ લઈ આગળ છૂટક વેચે છે. બ્રિજેશ 200 જેટલા બંધાણીઓને ડ્રગ્સ પહોંચાડતો હોવાનું માનવું છે. આ સિવાય જ્યારે પણ ડ્રગ્સ લઈને બ્રિજેશ રાજકોટ આવતો ત્યારે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરતો કે માલ આવી ગયો છે. માલના ફોટા પણ ગ્રુપમાં મુકાતા હતા.
♦ ડ્રગ્સ મામલે ખાસ ઝુંબેશ : 100 ગ્રામથી વધુ એમડી પકડાયાનો રાજકોટમાં પહેલો કિસ્સા
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે રાજકોટની જવાબદારી સંભાળી ત્યારથી ડ્રગ્સ મામલે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સમયાંતરે ડ્રગ્સ પેડલરો સાથે ડ્રગ્સ સપ્લાયરોને પણ પકડવામાં આવી રહ્યા છે. એસઓજી પીઆઈ જે.ડી. ઝાલાના જણાવ્યા મુજબ 100 ગ્રામથી વધુ એમડી પકડાયાનો રાજકોટમાં પહેલો કિસ્સો છે.
♦ બ્રિજેશે અનેક ધંધા કરી નેટવર્ક બનાવ્યાનુ તારણ
બ્રિજેશ મૂળ ઇન્સ્ટ મુંબઈ વસઈનો છે. રાજકોટમાં ઘણા વર્ષોથી છે. અહીં તે છૂટક કંઈ પણ ધંધો કરતો. ડ્રગ્સ સપ્લાય શરૂ કર્યા પહેલા તે અનેક વેપારીઓની સાથે કામ કરી ચુક્યો છે. તેણે કમિશનમાં સાડી કપડાં વેચવાનું કામ પણ કરેલું, તેણે કેટરર્સમાં પણ કામ કર્યું છે. તેણે ત્રીસેક અલગ અલગ પ્રકારના ધંધા કર્યાનું જાણવા મળે છે. આમ બ્રિજેશે અનેક ધંધા કરી નેટવર્ક બનાવ્યાનુ તારણ છે.