રાજકોટ, તા.25 : રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ-1 અને શિવમ-2 કોમ્પ્લેક્ષ આગળનો પાર્કિંગનો સ્લેબ ધસી પડવાની ઘટનાએ નગરજનોમાં અને રાજકીય પક્ષોમાં પણ ઘેરા પડઘા પાડયા છે. આજે પણ આ સ્થળે ભયાનક ઘટનાનો ચિતાર આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આવી ઘટનાના મુળમાં વર્ષો પહેલા મહાપાલિકા તંત્રએ વેંચી દીધેલા વહેતા પાણીના કુદરતી વહેણ એવા વોંકળા ઢાંકી દેવાની નીતિ પણ ઘણે અંશે જવાબદાર હોવાનું દેખાઇ રહ્યું છે. ચાર દાયકા પહેલા રાજય સરકારના જીડીસીઆર (બાંધકામ નિયમ)માં વોંકળાની જગ્યા વેંચવાની છુટ હતી.
જે 22 વર્ષ પહેલા ઠરાવ કરીને બંધ કરવામાં આવી છે. પરંતુ ત્યાં સુધીમાં શહેરના લગભગ 16 થી 17 જેટલા વોંકળા વેંચીને તેના પર બાંધકામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. નવા રાજકોટમાં પણ મવડી, નાના મવા, રૈયા, બીગ બઝાર રોડ પર વોંકળા ઢાંકીને બાંધકામો, રસ્તા કરવામાં આવ્યા છે. પરંતુ પાણીના વહેણ બાજુમાં વાળી દેવાયા હોય, 150 ફુટ રોડના અનેક ભાગો વરસાદમાં પાણી પાણી થાય છે. તો જુના રાજકોટમાં વોંકળા ઢાંકવાથી પાણીના ભરાવાની સમસ્યા કાયમી થઇ ગઇ છે તે હકીકત છે. આ ઘટનાના મુળમાં વોંકળો જ રહેલો છે.
મહાપાલિકાના વર્તુળોમાંથી મળતી વિગત મુજબ લગભગ 35 વર્ષ પહેલા સર્વેશ્વર ચોકની વોંકળાની આ જગ્યા વેંચવામાં આવી હતી. જે તે વખતે જમીન રાજકોટના હાલના માથાઓએ ખરીદી હતી. શિવમ કોમ્પ્લેક્ષનો એક ભાગ બન્યા બાદ જયાં ઘટના બની તે કોમ્પ્લેક્ષવાળી જમીન બિલ્ડરે ‘ભરતી ભેરણી’ના નિયમ હેઠળ ખરીદેલી છે. આવી જમીન મનપા વેંચે અને તેને જનરલ બોર્ડમાં મંજૂરી આપે એટલે મનપા દ્વારા માલિકને દસ્તાવેજ કરી દેવામાં આવે છે. રાજકોટમાં દર વર્ષે સફાઇના લીસ્ટમાં રાખવામાં આવતા વોંકળાની સંખ્યા 54 જેટલી છે. જુના રાજકોટના અનેક વોંકળા ઢાંકી દેવામાં આવ્યા છે. સર્વેશ્વર ચોકનો આ વોંકળો સૌથી લાંબો છે અને અમીન માર્ગ ખુણેથી જાગનાથ, મોટી ટાંકી, સદર ચોક સુધી જાય છે.
શિવમ બિલ્ડીંગની સામે નાગરિક બેંક ડોલ્સ મ્યુઝીયમ, પાછળ જાગનાથનું એક બિલ્ડીંગ, મોટી ટાંકી ચોકનું બિલ્ડીંગ, સદરમાં જુના સ્ટોક એકસચેંજનું બિલ્ડીંગ આ રીતે વોંકળા પર જ બાંધવામાં આવ્યું છે.સર્વેશ્વર ચોકની વાત કરીએ તો આ ચોકના 3પ ટકા જેટલા બાંધકામો વોંકળા પર ઉભેલા છે. 35 વર્ષ પહેલા ભરતી ભરણીમાં આ જમીન આપવામાં આવી હતી. જે તે વખતે મહાપાલિકાના ભાજપના શાસકોએ રાજકોટનો આ પહેલો વોંકળો સર્વેશ્વર ચોકનો વેંચ્યો હતો. તે બાદ જુના સ્ટોક એકસચેંજ સુધીની જગ્યામાં વોંકળા વેંચવામાં આવતા તેના પર બાંધકામો થયેલા છે. બિલ્ડીંગનો પ્લાન પણ સાડા ત્રણ દાયકા પહેલાનો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં આવા 16 થી 17 વોંકળા વેંચવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરમાં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઇ જવાની સમસ્યા રહે છે. જુના રાજકોટથી માંડી નવા રાજકોટ સુધીમાં આ હાલત રહે છે. સૌથી વધુ વોંકળા જુના રાજકોટમાં વેંચવામાં આવ્યા છે. વરસાદી પાણીનું વહેણ ન રોકવા સુપ્રિમ કોર્ટે પણ અગાઉ માર્ગદર્શન આપેલુ છે. છતાં વોંકળા અને તેના પરના બાંધકામો વેંચાતા પાણીનં ુ વહેણ અવરોધાય છે અને નુકસાની પણ કરાવે છે. અનેક વોંકળામાં બંધાયેલા ઝુંપડાના ડિમોલીશન મનપા કરતી હોય છે. પરંતુ જે તે સમયે શાસકોએ જ વોંકળા વેંચ્યા તો તે જવાબદારોમાં અને વોંકળામાં કાચા ઝુંપડા બનાવતા લોકોમાં શું ફર્ક એ પ્રશ્ન પણ ચર્ચામાં આવી ગયો છે.
વીજ ટ્રાન્સફોર્મર સલામત રહ્યું એ મોટુ સદ્ભાગ્ય..
રાજકોટ, તા.25 : શિવમ કોમ્પ્લેક્ષ બહાર જે સ્લેબ ધસી પડયો તેની બાજુમાં જ અડીને વીજ ટ્રાન્સફોર્મર હતું. જે સલામત રહ્યુ તેને પણ ઘણા લોકો ભગવાનનો પાડ ગણી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીં લોકો ઉભા હતા. પીલર સિવાયના ભાગમાં રહેલો સ્લેબ ધસી પડયો હતો. આ સ્લેબની બાજુમાં જ મોટુ ટ્રાન્સફોર્મર છે. જો આ ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હોત તો શું થાત તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
વોંકળા ન વેંચવા સુપ્રિમ કોર્ટનો આદેશ છે : જળ હોનારતનો કાયમ ખતરો
રકાબી જેવા આકારના સર્વેશ્વર ચોકના વોંકળામાં દાયકા પહેલા સફાઇ થઇ હતી : સાડા ત્રણ દાયકા પહેલા શાસકો અને બિલ્ડરોએ કુલડીમાં ગોળ ભાંગી લીધા હતા? : વોંકળા સફાઇની પોલ પણ ખુલી : તંત્ર વરસાદ પર નિર્ભર!
રાજકોટ, તા.25 : સર્વેશ્વર ચોકમાં બનેલી દુર્ઘટનાએ મનપાની વોંકળા સફાઇ કામગીરીની પણ પોલ ખોલી નાંખી છે. વાસ્તવમાં વેંચાઇ ગયેલા આ સર્વેશ્વર ચોક સહિતના વોંકળાની કયારેય સફાઇ જ થતી નહીં હોવાનું બહાર આવ્યું છે. કારણ કે આવા બિલ્ડીંગ અંદર ઉતરીને સફાઇની શકયતા ન હોય, ભૂગર્ભમાં તો બોમ્બ જેવા ગેસ અને કેમીકલ જ ભરેલા રહે છે.
રાજકોટમાં 54 જેટલા વોંકળા છે. વર્ષે કરોડોના ખર્ચે સફાઇના દાવા કરવામાં આવે છે. પરંતુ આવા વોંકળા કયારેય સાફ થતા નથી. તંત્ર હાથ ઉંચા કરી દે છે. બે ડઝન જેટલા વોંકળા વેંચાઇ ગયા છે. સર્વેશ્વર ચોકના વોંકળાની ડિઝાઇન રકાબી જેવી છે. ભારે વરસાદ બાદ કુદરતી રીતે જ આવા વોંકળાની સફાઇ થાય છે એ સિવાય વોંકળા જેમના તેમ પડયા રહે છે.સર્વેશ્વર ચોક મા વરસાદી પાણી ના કુદરતી વહેણ ઉપર બાંધકામ કરી બનાવવામા આવેલ વોંકળા નો સ્લેબ ધરાશાયી થતા નિર્દોષ નાગરિકો ઘાયલ થયા છે. ગણેશ પંડાલ નજીક બનેલી આ ગોઝારી ઘટનાએ મ.ન.પા ના પ્રિમોનસુન કામગીરી વોકંળા સફાઈ અને ટાઉન પ્લાનિંગ વિભાગો અને ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે.
સુપ્રિમ કોર્ટ ની સ્પષ્ટ ગાઇડલાઇન છે કે શહેર મા થી પસાર થતા કુદરતી પાણી ના વહેણ ને અવરોધવા નહી તેની ઉપર બાંધકામ કરવુ નહી છતા પણ પદાધીકારીઓ અને અધિકારીઓ ની મિલીભગતથી સર્વેશ્વર ચોક માથી પસાર થતા વોકંળા ઉપર બાંધકામો ની મંજુરી આપવામા આવી હતી. પ્રિમોનસુન ના નામે લાખોનો ભ્રષ્ટાચાર આચરતા શાસકોએ વોકંળા સફાઈ મા ધ્યાન આપ્યું નથી. બાંધકામ શાખા અને ટાઉન પ્લાનીંગ શાખાએ સમયે-સમયે અવા બાંધકામનું ઇન્સપેકશન જ ન કર્યુ જેનો ભોગ આજે નિર્દોષ નાગરિકોએ એ બનવુ પડયુ છે.
બે ડઝન વોંકળા પર આલીશાન બિલ્ડીંગ-હોસ્પિટલો ખડકાઇ ગયા
સ્લેબ જર્જરીત હતો તો તોડી કેમ ન પડાયો? 80 ફુટ રોડ, સીંધી કોલોની સહિતના નાલા જર્જરીત : જમીન વેંચાણ અને બાંધકામ અંગે પણ ઉંડી તપાસની જરૂર
રાજકોટ, તા.25 : મહાનગરપાલિકામાં વર્ષ 2000 થી 2005 ને બાદ કરતા ભાજપનું શાસન રહ્યું છે. સ્માર્ટ સિટી અને મેગાસિટી ની હરણફાળ અને વિકાસની વાતો વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટેના કુદરતી જે 80 ફૂટના અંદાજે બે ડઝન જેટલા વિશાળ પહોળા વોંકળાઓ પર ગેરકાયદેસર રીતે બાંધકામો કરી દેવાયા છે
અને વોકળાઓ પરની અનેક જમીનો વેંચી દેવાઇ હોય જે પગલે દરેક ચોમાસામાં રાજકોટના શહેરીજનો પર જળ હોનારતની લટકતી તલવાર રહે છે. એટલું જ નહી નજીવા વરસાદ માં પણ ગોઠણભેર પાણી ભરાય છે અને મહાનગરપાલિકાની વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટોર્મ વોટર સિસ્ટમનું બાળ મરણ થયું છે. વોકળાઓ પરની તમામ જમીનો પરના ગેરકાયદેસર બાંધકામો જે કાયદેસર કરવામાં આવ્યા છે તેની વિજિલન્સ તપાસ થવી જોઈએ. રાજકોટમાં યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક પાસે શાસકોના પાપે વોકળા પરનો સ્લેબ ધરાશાયી થયો છે.
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ વરસાદી પાણીના કુદરતી વહેણની પ્રક્રિયાને રોકી શકાતી નથી તેમ છતાં શાસકો દ્વારા શહેરભરના અંદાજે બે ડઝન વોકળાઓ પર આલીસાન ઇમારતો અને હોસ્પિટલો ખડકી દેવામાં આવી છે. સર્વેશ્વર ચોકની ઘટનામાં શહેરના ધારાસભ્યે જણાવ્યું હતું કે વોકળા પરનો સ્લેબ જૂનો અને જર્જરિત બની ગયો હતો. જો આ બાબતનો ખ્યાલ હતો તો આ સ્લેબ અગાઉ તોડી કેમ પડાયો નહીં ? એ અંગે જવાબદાર કોણ ? અને અન્ય વોકળાઓ ઉપર આવા જર્જરીત અને જાન લેવા સ્લેબ હોય
તો એ તાત્કાલિક હટાવી દેવા અને ફરીથી આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવી જોઈએ અને નિયમો બનાવી આ નિયમોનું કડક પાલન કરવા માંગણી થઇ છે. વોર્ડ નં. 14 ના એસી ફુટ રોડ પરના વોકળા પર શેઠહાઈસ્કૂલ પાસે અને સ્ટુડિયો રૂપાલી પાસે, વોર્ડ નંબર ત્રણમાં સિંધી કોલોની પાસે આવેલ પુલિયા હનુમાન પર આવેલા નાલા જર્જરીત થયા છે અને ચાર દાયકા પહેલા તે બનાવેલા હોય ત્યારે શહેરભરમાં આવા નાલાઓ જે વોકળાઓ પર છે તેવા નાલા ધરાશાયી થાય એ પહેલા તપાસ કરી મરામત કરવી જરૂરી છે. શહેરનાભરના વોકળાઓ પર થયેલા ગેરકાયદેસર બાંધકામો અને ભરતી ભરણીમાં અપાયેલી જમીનો અંગે વિજિલન્સ તપાસ કરવા કોંગ્રેસના આગેવાનોએ કમિશનરને લેખિત રજૂઆત કરી છે.