રાજકોટ, તા.25 : ઢેબર રોડ પરના નવા બસપોર્ટમાં સલામતી માટે પોલીસ ચોકી શરૂ કરવા મેયર નયનાબેન પેઢડીયાએ સરકારને રજુઆત કરી છે. સેન્ટ્રલ બસ સ્ટેશનમાં રોજ-બરોજ હજારો મુસાફરોની આવન જાવન રહે છે. બસ સ્ટેશનમાં આવારા તત્વો પડ્યા પાથર્યા રહે છે તેમજ અવારનવાર ચોરી, લુંટફાટના બનાવ બનતા રહે છે. બસ સ્ટેશનમાં પોલીસ ચોકી ન હોવાથી રજુઆત તથા ફરિયાદ કરવા માટે મુસાફરોને દુરના સ્થળે જવું પડે છે અને મુસાફરોને પારાવાર મુશ્કેલી પડે છે. જે વિગત ધ્યાને લઈ સેન્ટ્રલ બસ સ્ટેશનમાં અગાઉ જુના બસ સ્ટેશનમાં પોલીસ ચોકી હતી તે મુજબ એક પોલીસ ચોકી રાઉન્ડ ધ કલોક શરૂ કરાવવા તેમજ આ પોલીસ ચોકીમાં મહિલા તેમજ પુરૂષ પોલીસ કોન્સ્ટેબલ ફાળવવા જરૂરી કાર્યવાહી કરાવવા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને મેયરે રજુઆત કરેલ છે.