જામનગર તા. 26
લોકોની જિંદગી ફેલ કરતો હાર્ટ એટેકએ સાંપ્રત સમયની સૌથી વધુ ચિંતાજનક બાબત છે. કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો આવી રહ્યો છે. જેમાં પણ ખાસ યુવાનો આ એટેકનો ભોગ બનતા હોવાથી તબીબ આલમ પણ ચિંતામાં મુકાયો છે. આવી સ્થિતિ વચ્ચે હજુ પાંચ દિવસ પહેલા જૂનાગઢમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવાનને એટેક આવ્યા બાદ તેનું મોત થયુ હોવાની ઘટના તાજી છે ત્યાં જ જામનગરમાં પણ ગરબાની પ્રેક્ટિસ કરતા એક 19 વર્ષીય યુવાનનું એકાએક હૃદય થંભી ગયુ હતું. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના સામે આવતા પરિવારજનોમાં કાળો કલ્પાત ફેલાયો છે. આ ઘટનાને લઇ જામનગરમાં ઉહાપોહ મચી ગયો છે.
જામનગરમાંથી સામે આવેલ આ દુ:ખદ ઘટના અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી યુવાનો હાલ જોરશોરથી ગરબાની તૈયારીમા જોતરાયા છે. આવી સ્થિતી વચ્ચે ગત મોડી રાત્રે, જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તાર આવેલ "સ્ટેપ સ્ટાઈલ ગરબા ક્લાસ” માં યુવાધન કિલ્લોલ અને ઉત્સાહ સાથે ગરવાના સ્ટેપ કરી રહ્યું હતું.
યુવાઓ ઉત્સાહ અને જોશ સાથે પ્રેક્ટિસ કરતા જેમાં 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામનો યુવક પણ સ્ટેપ કરતા કરતા એકાએક ઢળી પડ્યો હતો. જેને લઈને બનાવસ્થળે દેકારો બોલી ગયો હતો. બાદમાં સંચાલકો સહિતના લોકો દોડી આવ્યા હતા જ્યાં બુશુદ્ધ હાલતમાં રહેલા યુવાન વિનીતને તાબડતોબ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ વિનીતનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. આ તકે સંચાલક તથા ગરબા રસિકો સહિત મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં ટોળા જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
નોંધનીય છે કે રાજ્યમાં ક્રિકેટ રમતા રમતા ઉપરાંત વોકિંગ કરતા કરતા અને હવે ગરબાની પ્રેક્ટિસ કરતા યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ સામે આવતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે. પાંચ દિવસ અગાઉ જ જૂનાગઢમાં ગરબાની પ્રેક્ટિસ કરતા ચિરાગ પરમાર નામના 24 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું. બાદમાં હવે જામનગરમા આવો કિસ્સો સામે આવતા અરેરાટી મચી છે.