♦ રાજકોટ-જામનગર સહિતના જિલ્લા, તાલુકા, શહેરોમાં અસરની શકયતા : બે વર્ષ પહેલા લાગુ થયેલો 18% જીએસટી સરકાર ચૂકવતી નથી : ઓપરેટર કંપનીઓના નાણા પણ ફસાયા
રાજકોટ, તા. 26
રાજયમાં જીએસટીના મુદ્દે પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટરની વારંવાર રજૂઆત છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ નહીં આવતા તારીખ બીજી ઓક્ટોબર ગાંધીજયંતિના દિવસથી સમગ્ર ગુજરાતમાં પાણી પુરવઠો ઠપ્પ કરી દેવાની ચીમકી આપી છે. આજે રાજકોટમાં ‘જેમ ક્ધફેડરેશન ઓફ કોન્ટ્રાકટર’ દ્વારા પત્રકાર પરિષદ રાખવામાં આવી છે. આ પૂર્વે આજે પ્રતિનિધિઓએ ‘સાંજ સમાચાર’ કાર્યાલયની મુલાકાત લીધી હતી અને આ મામલે તમામ પમ્પીંગ સ્ટેશન બંધ કરવા નિર્ણય લીધાનું જણાવ્યું હતું.
એસો.ના પ્રતિનિધિઓ રસીક ખીરસરીયા અને ધવલ સોલંકીએ અમદાવાદ સ્થિત પ્રમુખ પ્રશાંત પટેલના માર્ગદર્શન હેઠળ આ ઘડાયેલા વિરોધ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નોટિફિકેશનથી તા.1-1-2022થી જીએસટી રેટમાં (ટેક્સ સ્ટ્રકચર) ફેરફાર કરાતા કોન્ટ્રાકરોને કેટલીક સમસ્યા ઉદ્ભવી છે. જાન્યુઆરી 2022થી મરામત અને નિભાવણીના કામોમાં 18% જીએસટી પ્રમાણે તથા ટ્રન્કી પ્રોજેક્ટમાં 5.36% જીએસટી તફાવત પ્રમાણે દરેક કોન્ટ્રાક્ટરોનુ ચુકવણુ તાત્કાલીક ધોરણે થાય તેવી માંગ કરી રહ્યા છે.
આ અંગે કોન્ટ્રાક્ટર એસોસિએશનની લાંબા સમયથી રજુઆત હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે કોન્ટ્રાકટરો લડતના મૂડમાં આવ્યા છે. આગામી ગાંધી જયંતિ સુધીમાં નિર્ણય નહીં આવે તો હડતાળની ચીમકી ઉચ્ચારી છે. જો કોંટ્રાક્ટરો હડતાળમાં જોડાય તો રાજ્યમાં પાણી વિતરણ વ્યવસ્થાને અસર થતા પીવાના પાણીનું ગંભીર સંકટ સર્જાશે. તેમ પણ જણાવ્યું હતું.
ગુજરાત પા.પુ અને ગ.વ્ય. બોર્ડ ચેરમેનને રજુઆત કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકારના નોટિફિકેશનથી જીએસટી દાખલ થયું છે. પરંતુ બીલમાં જીએસટી મળતો ન હોય, કોન્ટ્રાકટર પર બોજ આવ્યો છે. જેના કારણે દરેક કોન્ટ્રાક્ટરને જાન્યુઆરી 2022 થી મરામત અને નિભાવણીના કામોમાં 18% જીએસટી ભરવો પડે છે.
જે ખરેખર ગુજરાત પા.પુ અને ગ.વ્ય. બોર્ડએ કોન્ટ્રાક્ટરને ચુકવવાનો થાય છે. પરંતુ, 20 મહિના જેટલો સમય વીતી ગયા છતા હજુ સુધી કોઈજ પ્રકારનો નીર્ણય લીધેલ નથી તથા જીએસટીનું ચુકવણુ પણ કરેલ નથી.
જ્યારે બીજા વિભાગોમા જીએસટીનું ચુકવણુ થઈ પણ ગયેલ છે. તેમજ મરામત અને નિભાવણીના કામોમાં 18% જીએસટી ચુકવવા માટેનો કોઈ પરીપત્ર પણ જારી કર્યો નથી. દરેક કોન્ટ્રાક્ટર વતી કોન્ટ્રાક્ટર એસોસીએસન પાંચ-પાંચ વખત મળવા માટે આવ્યા છત્તા અમને મુલાકાત માટે સમય ફાળવ્યો નથી.
મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. તેમની સૂચના છતાં બે મહિને પણ આ માટેનો પરિપત્ર ઇસ્યુ થયો નથી. આથી પૂરા બીલ ન ચૂકવાતા જીએસટી ભરીને હવે કોન્ટ્રાક્ટરો આર્થીક કટોકટીમા આવી ગયા છે. હવે રૂપીયા છુટા કરવા માટેનો યોગ્ય નિર્ણય નહી આવે ત્યા સુધી જીડબલ્યુએસએસબી, જીડબલ્યુઆઇએલ તથા વાસ્મોના તમામ કોન્ટ્રાક્ટરો તેમના હસ્તકના તમામ કામો બંધ કરશે.
જેમાં ખાસ કરીને પાણી માટેનુ પમ્પીંગ બંધ થશે. તથા પાણીનુ વિતરણ પણ બંધ થશે જે માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહી. આમ જુદા જુદા જિલ્લાઓના ખાસ કરીને તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સપ્લાય પર અસર થવાની ભીતિ સર્જાય છે.
નર્મદાના 500થી વધુ પમ્પીંગ સ્ટેશન : રાજકોટમાં અસર થશે? કોર્પો. ચિંતામાં
રાજય સરકારના નર્મદા નિગમ હેઠળ જુદા જુદા જિલ્લા અને મહાનગરોમાં પાણીની સપ્લાય માટેના પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જે કોન્ટ્રાકટરો દ્વારા ચલાવવામાં આવે છે.
આવા 500 જેટલા પમ્પીંગ સ્ટેશનનું ઓપરેશન બંધ થાય તો નાના મોટા શહેરોમાં પાણીનું પમ્પીંગ થતું અટકી શકે છે. પાણીની સપ્લાય પર અસર થવા ભીતિ છે કારણ કે તેનું ઓપરેશન આ કોન્ટ્રાકટરો કરતા હોય છે.
હવે આ સ્થિતિમાં રાજકોટમાં શું થાય તેની ચિંતા મનપા તંત્રએ કરી છે. નિગમ અને ઇન્ફ્રા. બોર્ડમાં સંપર્ક કર્યો છે. રાજકોટને પણ હડાળા સહિત બે પમ્પીંગ સ્ટેશનથી પાણી આવે છે. જોકે મનપા જીએસટી ચૂકવે છે અને કંપનીઓ સંચાલન કરે છે. આથી રાજકોટને મુશ્કેલી નહીં પડે તેવું માનવામાં આવે છે પરંતુ ઉપરથી આવતું પાણી અટકે તો થોડા દિવસો બાદ સપ્લાય પર અસર પડવાની પણ ચિંતા છે.