ભુજ તા.3 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને ઈ.સ.2025માં બ00 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે 1925માં નાગપુરના મોહિતેવાડા મેદાન ખાતે 10થી 15 બાલ તરુણોથી પ્રારંભ થયેલ સંઘની શાખા આજે દેશના નગરીય ક્ષેત્રોમાં વસ્તી સુધી અને ગ્રામીણ સ્તરે મંડળ અને ગામો સુધી વિસ્તરી છે. ડોકટર કેશવરાવ બલીરામ હેડગેવારે રોપેલું સંઘ બીજ આજે વટવૃક્ષ બની તેનો શતાબ્દી વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે ત્યારે કાર્ય વિસ્તારના ભાગરૂપે કચ્છના સ્વયંસેવકોએ નિર્ધાર કર્યો કે ગામડે ગામડે સંઘની શાખાના સ્વરૂપમાં પહોંચવાનો અને સામૂહિક શકિતના એકત્રીકરણનો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંગના કચ્છ વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર આ માટે પૂર્વ કચ્છ અને પશ્ચીમ કચ્છના કુલ મળીને 1600 કાર્યકર્તાઓ 30 તાલુકા-નગર સુધી ચાર માસથી સતત પ્રવાસ કરી કુલ 610 ગામ સુધી પહોંચ્યા. 110 મંડળ અને 200 ઉપ વસ્તી સુધી પ્રવાસ કર્યો અને 400 આયોજન બેઠક કરી 20,000 સુધી સંપર્ક એમાંથી 15 હજારનો રજીસ્ટ્રેશન થયું. 10,000 પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલા રવિ ભાણ આશ્રમના પૂ.ત્રિકાલદાસજીએ સંઘના રાષ્ટ્ર ઉત્થાનના કાર્યમાં સહભાગી થવાનો આનંદ વ્યકત કરી 91 વર્ષના સ્વયંસેવકની ઉપસ્થિતિ પ્રેરણાદાયી ગણાવી હતી. સ્વયંસેવક વ્યસનમુકત હોય એ અપેક્ષીત. બીજુ દીવાળીના તહેવારોમાં ખરીદી આપણા દેશમાં બનેલી વસ્તુની જ કરીએ. ઘી-તેલના દીવાઓ પ્રગટાવીએ. આવી નાની બાબતો જ આપણને રાષ્ટ્રભકત બનાવશે. દેશ માટે આવુ કાર્ય એ જ સાચી રાષ્ટ્રભકિત સંતોએ પણ આ જ દિશા બતાવી.
આ પ્રસંગે સ્વયંસેવકોને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહસર કાર્યવાહ અરુણકુમારજીએ જણાવ્યું હતું કે કચ્છનો વ્યકિત ઉદ્યમી, સામાજિક કાર્યમાં સહયોગ, સંઘ પ્રત્યે વિશેષ અનુરાગ આ કચ્છી સમાજના ગુણો છે. ભારતની 75 વર્ષની યાત્રા અને સંઘ શતાબ્દી વર્ષ સૌભાગ્યથી એક સાથે ઉજવાઈ રહ્યા છે. ભારત આજે વિશ્વની પાંચમાં નંબરની મોટી અર્થ વ્યવસ્થા છે. આપણી આત્મગૌરવ યુકત વિદેશી નીતિએ જી-20માં બધા દેશોને સહમત કરી પ્રસ્તાવ પારિત કર્યા. ભારતની વિભાવના વસુધૈવ કુટુમ્બકમ અને સર્વે ભવન્તુ સુખીન:ના મંત્રને સાર્થક કરતા ઉદાહરણ સ્વરૂપે કપરા સમયે વિવિધ દેશોને વેકસીનથી લઈ અન્ન અને મેડીકલ સહાય. 75 વર્ષમાં એક સામાજીક ક્રાંતિ ભારતીયોએ સર્જી છે.