ભુજ, તા.8 : ભુજમાં આરએસએસની ત્રણ દિવસની કાર્યકારી મંડળની બેઠક પૂરી થઇ છે. જેમાં સંઘ વડા મોહન ભાગવત સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તા.22 જાન્યુ.ના રોજ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા અયોધ્યામાં થવાની છે ત્યારે પૂરા દેશમાં આ ગૌરવ ક્ષણના લોકોને સાક્ષી બનાવવા અભિયાન શરૂ કરાવવા જાહેરાત કરાઇ છે. તા.1 જાન્યુઆરીથી પખવાડીયા સુધી સ્વયંસેવકો ઘરે ઘરે પૂજિત અક્ષત-રામલલ્લાના ફોટો સાથે જઇને દેશવાસીઓને ગૌરવની ક્ષણમાં સામેલ કરશે.
ભુજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની પૂર્ણ થયેલી ત્રિદિવસીય બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત, દત્તાત્રેય હોસબાલે ઉપરાંત 45 પ્રાંત અને 11 ક્ષેત્રોના સંઘચાલક, કાર્યવાહ, પ્રચારક, અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય તથા સમવૈચારિક સંગઠનોના અખિલ ભારતીય સંગઠન મંત્રીઓ સહિત 357 પ્રતિનિધિઓ અનેકવિધ મહત્ત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરી હતી. આ વિશે વાત કરતાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય અસ્મિતાનું એક મોટું આંદોલન આપણે આપણા જીવનકાળ દરમિયાન જોયું.
શ્રીરામ જન્મભૂમિ મંદિરનું કાર્ય લગભગ પૂર્ણતાના આરે છે. આગામી 22 જાન્યુઆરીના નવનિર્મિત શ્રીરામલલા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેમાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા સરસંઘચાલક અને પ્રધાનમંત્રીને આમંત્રણ પાઠવાયું છે. દેશભરના લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બને તે માટે તારીખ 1થી 15 જાન્યુઆરી સુધી દેશભરમાં વ્યાપક જનસંપર્ક અભિયાન દ્વારા પૂજિત અક્ષત અને શ્રીરામલલ્લાનો ચિત્ર લઈ સ્વયંસેવકો ઘર-ઘર સુધી પહોંચશે.