નવી દિલ્હી,તા.10
દિલ્હીમાં છેલ્લા કેટલાય દિવસથી વાયુ પ્રદુષણમાં ખતરનાક સ્તરે વધારો થતા દિલ્હીમાં એર પ્યુરિફાયર અને માસ્કની માંગમાં ઉછાળો આવ્યો છે. વાયુ પ્રદુષણથી હેલ્થને સલામત રાખતા ડોકટરો દ્વારા લોકોને ઘરમાં પ્યુરીફાયર અને માસ્કનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ છે. તબીબોની આ સલાહના કારણે દિલ્હીમાં એર પ્યુરીફાયર અને માસ્કની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે.
એર પ્યુરીફાયર ખરીદનાર એક ગ્રાહકે જણાવ્યું હતું કે, મારા ઘરમાં બાળકો અને વડીલો છે. પ્રદુષણના કારણે તેમને આંખમાં બળતરા થાય છે, ઉધરસ પણ થાય છે. તેમના સ્વાસ્થ્યની સુરક્ષા માટે બેં એર પ્યુરીફાયર ખરીદવું પડયું છે.
એર પ્યુરીફાયરના સેલ્સમેન નિશાંત ગૌતમે જણાવ્યું હતું કે, એર પ્યુરિફાયરની માંગમાં 70 ટકા વધારો થયો છે. મોટેભાગે 20 હજારથી 25 હજાર સુધીના એર પ્યુરિફાયરની માંગ છે. એર પ્યુરિફાયરની કિંમત 8 હજારથી 80 હજાર સુધીની હોય છે.
આ એર પ્યુરિફાયર હવામાં પ્રદુષણના કણો, ઓડોર્સ, નુકશાનકારક વાયુ દુર કરે છે.