◙ પરપ્રાંતીય સહિતના લોકોએ ટ્રેનમાં મુસાફરી માટે ભાગદોડ કરતા અફડાતફડીની સ્થિતિ
રાજકોટ,તા.11
ગુજરાતભરમાં દિપાવલીના તહેવારો શરુ થતા જ રેલ્વે સ્ટેશન, બસસ્ટેશન તથા વાહનવ્યવહારના તમામ સ્થળોએ ભારે ભીડ ઉમટી રહી છે અને ખાસ કરીને પરપ્રાંતિય મજદૂરો પોતાના વતનમાં પહોંચવા માટે ટ્રેન સહિતની સેવાઓનો સહારો લઈ રહ્યા છે. તે સમયે આજે સુરત રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ અને ધકકામુકકીના કારણે ગુંગળાઈ જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અનેકને ભીડમાંથી ઉગારીને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરાયા છે.
જયારે બીજી તરફ રેલ્વે સ્ટેશન પરની ભારે ભીડને કાબુમાં લેવામાં પોલીસની વધુ ટુકડીઓ પણ દોડાવાઈ છે તેમજ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તથા સુરતના પોલીસ કમિશ્નર પણ રેલ્વે સ્ટેશને દોડી ગયા છે અને પરીસ્થિતિને કાબુમાં લેવા માટે પ્રયત્નો ચાલુ છે. રેલ્વે દ્વારા દિવાળી નિમિતે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે અને હજારો લોકો સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને ઉભા હતા તે સમયે અહી આવેલી એક ટ્રેનમાં ચડવા માટે થયેલી ધકકામુકકી બાદ બેકાબુ સ્થિતિ સર્જાઈ હતી અને તેના પરિણામે અસંખ્ય લોકો પ્લેટફોર્મ પર જ પડી ગયા હતા અને તેમાં એક વ્યક્તિનું ગુંગળાઈ જવાથી મૃત્યુ થયુ હતું.
જો કે અન્ય કેટલાકને શ્વાસ લેવા સહિતની તકલીફ ઉભી થતા રેલ્વે સ્ટેશન પર જ તેમને સારવાર અપાઈ છે. પરંતુ એક બાદ એક ટ્રેનોમાં ચડવા માટે વધુને વધુ લોકો સ્ટેશન પર પહોંચવા લાગતા તનાવ જેવી સ્થિતિ બની ગઈ હતી અને વધુ લોકોને સ્ટેશન પર પહોંચતા અટકાવવા માટે પોલીસની ટુકડીઓ ગોઠવી દેવાઈ છે તેમજ તમામ ટ્રેનોને અલગ અલગ પ્લેટફોર્મ ફાળવીને ભીડ ઓછી કરવાના પ્રયત્ન શરુ કરાયા છે. સુરત જ નહી અમદાવાદ સહિતના પ્લેટફોર્મ પર આ પ્રકારે ભારે ભીડના દ્રશ્યો જોવા મળે છે અને આવતીકાલ સુધી આ પરીસ્થિતિ રહે તેવા સંકેત છે.
કોચનાં ડીસ્પ્લે બોર્ડમાં ખોટો નંબર દર્શાવાતા ભાગદોડ મચી
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી દોડી ગયા: એસપીને પણ રેલ્વે સ્ટેશને પહોંચવા આદેશ: બે પ્લેટફોર્મ પર એક સાથે ભાગદોડ સર્જાઈ: તમામ ટ્રેન વ્યવહાર રોકી દેવાયો
સુરત રેલ્વેસ્ટેશન પર આજે તાપી ગંગા ટ્રેનમાં ચડવા પ્લેટફોર્મ નંબર 4 પર સર્જાયેલી ભીડના કારણે એક યાત્રીનું મોત થતા રેલ્વેના એડી. ડીજીપી રાજકુમાર પાંડીયને તાત્કાલીક બરોડા ડિવિઝનમાં રેલ્વેના એસ.પી. સરોજકુમારીને સુરત સ્ટેશન પર પહોંચવા જણાવ્યું હતું અને સમગ્ર ઘટનાની તપાસ એક ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.
જયારે બીજી તરફ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ રેલ્વે સ્ટેશને પહોંચવા સુરત પોલીસને પણ અત્યારે સ્ટેશન પર મૌજૂદ છે અને વધુ ભીડ ન સર્જાય તે માટે સ્ટેશન પર વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આ ઘટનામાં ઝાંસીની ટ્રેન 1 નંબર પર આવે છે જેની અંદર એસી કોચને દર્શાવતું ડીસ્પ્લે બોર્ડમાં ભુલ થતા અફડાતફડી સર્જાઈ હતી અને તે સમયે જ ભાગદોડ જેવી સ્થિતિ ચાર નંબરના પ્લેટફોર્મ પર પણ બની હતી અને આમ બંને બાજુ ભાગદોડ થતા જ સ્ટેશન પર તમામ ટ્રેન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો તથા લોકો પાટા પર પહોંચી ન જાય તેની પણ ચિંતા કરવામાં આવી હતી. જો કે સેંકડો લોકોએ પોતાનો સામાન પણ ગુમાવી દીધો હતો અને કેટલાક વિખુટા પણ પડી ગયા હોવાનું માનવામાં આવે છે. પોલીસ દ્વારા હવે વધુ સારી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.