◙ ખુદ રેલવેના આંકડાએ વાસ્તવિકતા જાહેર કરી: આ વર્ષે મુસાફર ટ્રેનની ગતિ સરેરાશ 42.3 કિ.મી. પ્રતિ કલાક જ રહી
નવી દિલ્હી, તા.17
દેશમાં રેલવે સેવાને ઝડપી બનાવવા અને એક લાંબા અંતરની ટ્રેનોમાં વંદે ભારત સહિતની નવી ટ્રેનો દાખલ કરવાની એક પછી એક શરુ થયેલી કવાયત વચ્ચે વાસ્તવમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભારતીય રેલવેની પેસેન્જર અને ગુડઝ ટ્રેન બંને ધીમી દોડી છે. ખુદ રેલવેનો ડેટા કહે છે કે બંને પ્રકારની ટ્રેનોની એવરેજ-ગતિ ગત વર્ષની સરખામણીમાં ધીમી રહી છે અને તે સરેરાશ પ્રતિકલાક પાંચ કિ.મી.ના સ્પીડથી ઓછી ઝડપી દોડી છે.
જો કે પરાની ટ્રેનોની ઝડપ સારી રહી છે. ઉત્તર પશ્ર્ચિમની ટ્રેનોએ સરારેશ 51.5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે અંતર કાપ્યું હતું. જે દેશભરમાં સૌથી ઝડપી ગણાયું છે. જ્યારે ઇર્સ્ટન રેલવેની ગતિ સરેરાશ 34.1 કિ.મી. પ્રતિ કલાકની રહી છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. ગત વર્ષે ગુડઝ ટ્રેનની સરેરાશ ગતિ 31.7 કિ.મી. રહી હતી. જે ચાલુ વર્ષે 25.8 કિ.મી.ની ઝડપ રહી હતી.
જ્યારે પેસેન્જર ટ્રેનની ગતિ 2023-24માં 42.3 કિ.મી.ની સરેરાશ રહી છે. જ્યારે 2022-23 તે 47.6 કિ.મી.ની ઝડપ રહી છે. જો કે પશ્ર્ચિમ રેલવેની ગતિની ટ્રેનોની ગતિમાં મામુલી ઘટાડો થયો છે. કુલ 51.5 કિ.મી.ની ગતિએ તે આ વર્ષે દોડી હતી જે ગત વર્ષે 51.6 કિ.મી.ની ઝડપે દોડી હતી. આમ એક તરફ રેલવેને ઝડપી બનાવવા માટે નવા ટ્રેક તથા વધુ સારા કોચ વગેરેની વ્યવસ્થા થઇ રહી છે. તે વચ્ચે રેલવેની ટ્રેનો ધીમી પડી રહી હોવાનું નિશ્ચિત થયું છે.
રેલવેની મુસાફર અને નૂર ભાડા આવક રૂા.1.50 લાખ કરોડથી વધી જશે
કેન્દ્રની મોદી સરકાર દ્વારા રેલવે ભાડામાં સીધી રીતે વધારો નહીં કરીને જે રીતે અનેક ટ્રેનોને ઝડપી બનાવવાની જાહેરાતે તેને અપગ્રેડ કરી રહી છે તેની સાથે રેલવેના ભાડા પણ વધી રહ્યા છે અને પ્રથમ વખત રેલવેના નૂર ભાડુ રૂા. એક લાખ કરોડથી પણ વધી જશે તેવો અંદાજ છે જ્યારે મુસાફર ભાડુ રૂા.50 હજાર કરોડની નજીક રહેશે.
રેલવેની ચાલુ વર્ષ દરમ્યાન કુલ આવક રૂા.2.65 લાખ કરોડ રહેવાની ધારણા છે. ગત વર્ષે રૂા.2.42 લાખ કરોડ નોંધાઇ હતી. રેલવેનું માલ પરિવહન 3.7 ટકા વધીને 944 મીલીયન ટન નોંધાયું છે.