♦ નલિયામાં-14, ગાંધીનગરમાં 16.8, રાજકોટમાં 17.3, અમદાવાદ-વડોદરામાં-18 અને ડિસામાં 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું
રાજકોટ,તા.17
ગત તા.12ને દિવાળીથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સવારનાં તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે ઉત્તરનાં ઠંડા પવનો ફુંકાવાનું શરૂ થતા છેલ્લા ચાર-પાંચ દિવસથી સવાર અને સાંજનાં ભાગે શિયાળાનો અહેસાસ થાય તેવી ઠંડક અનુભવાઈ રહી છે.
ખાસ કરીને કચ્છનાં નલિયામાં દરવર્ષની જેમ ચાલુ વર્ષે પણ તિવ્ર ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.ચાલુ સપ્તાહનાં પ્રારંભેજ નલિયા ખાતે 13 ડિગ્રી સુધી લધુત્તમ તાપમાન નોંધાવા પામ્યુ હતું. જયારે આજરોજ પણ નલિયા ખાતે રાજયનું સૌથી નીચુ તાપમાન નોંધાવા પામ્યુ હતું.આજરોજ સવારે નલિયા ખાતે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાવા પામ્યું હતું.
આ ઉપરાંત આજરોજ અમદાવાદ, વડોદરા, ભાવનગર, ડિસા, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. હવામાન કચેરી માંથી પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સવારે અમદાવાદ ખાતે 18.4 ડિગ્રી તથા વડોદરામાં 18.6, ભાવનગરમાં 19.6 ડિગ્રી, ડિસામાં 17.6, ગાંધીનગર ખાતે 16.8 ડિગ્રી, તથા રાજકોટમાં 17.3 ડિગ્રી અને સુરેન્દ્રનગર ખાતે 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
દરમ્યાન રાજય હવામાન વિભાગનાં ડાયરેકટર ડો.મનોરમા મોહંતીનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે, ખાસ કરીને આગામી સપ્તાહથી ઠંડીની તિવ્રતામાં ક્રમશ: થોડો વધારો થશે.અને ઠેર-ઠેર લઘુત્તમ તાપમાન 15 થી 18 ડિગ્રી સુધી પહોંચી શકે છે.