◙ અમદાવાદના સાબરમતીથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન દોડશે : ટ્રાયલ રન 2026માં સુરતથી બિલીમોરા જશે: કલાકના 320 કી.મી.ની ઝડપે ટ્રેન દોડશે
નવી દિલ્હી, તા.18
મુંબઈથી અમદાવાદના સાબરમતી વચ્ચે દોડનારી ભારતની બુલેટ ટ્રેન જાપાનની શિનકાનસેન ઈ-એસ સીટીઝ બુલેટ ટ્રેન જેવી જ હશે, પરંતુ તેને ભારતીય વાતાવરણને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી રહી છે. 690 યાત્રીઓને સફર કરાવવાની ક્ષમતા ધરાવતી આ ટ્રેનમાં વિમાનની જેમ જ ફર્સ્ટ કલાસ, બિઝનેસ કલાસ અને ઈકોનોમી કલાસ મતલબ સ્ટાન્ડર્ડ કલાસ હશે,
જયારે ફલાઈટ કરતા પણ વધુ આરામદાયક અને લકઝરી સીટો હશે. ટ્રેનની અન્ય ખુબીઓના બારામાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં આ ટ્રેન 10 કોચવાળી હશે બાદમાં જરૂરત મુજબ તે 16 કોચ સુધીની બનાવાશે.
રીડીંગ લેમ્પની પણ સુવિધા હશે: ટ્રેનમાં કોચમાં વિમાનની જેમ જ લગેજ રાખવા માટે ઓવર હેડ લગેજ રેન્ક હશે. બે સીટો વચ્ચે લેગ સ્પેસમાં પણ કોઈ કમી નહીં રહે. ફર્સ્ટ અને બિઝનેસ કલાસની સીટો મુવ કરી શકાશે. તેમાં એલઈડી લાઈટીંગની સાથે રીડીંગ લેમ્પની પણ સુવિધા હશે.
જેથી ટ્રેનની અંદર કોઈ વાંચવા ઈચ્છે કે કોઈ કામ કરવા માંગે તો તે પણ કરી શકશે. સાબરમતીથી મુંબઈ વચ્ચે 508 કિલોમીટરના અંતરે ચાલનારી આ ટ્રેનની 2026માં સુરતથી બિલીમોરા વચ્ચે ટ્રાયલ રન થશે તે 320 કિલોમીટર દર કલાકની ઝડપે દોડશે.
બુલેટ ટ્રેનની ઉડીને આંખે વળગે તેવી વિશેષતાઓ
► ફર્સ્ટ કલાસમાં 15 સીટ હશે, જયારે બિઝનેસમાં 55 અને ઈકોનોમીમાં 620 યાત્રીઓ બેસી શકશે.
► જાપાનના બુલેટ ટ્રેન જેવો હશે લુક, ભારતમાં ડિઝાઈન કરવામાં આવી રહ્યો છે, પરંતુ રંગમાં થઈ શકે છે કેટલાક ફેરફાર.
► ટ્રેનની અંદર પ્લેનથી વધુ સ્પેસવાળુ ટોયલેટ પણ હશે.
► ટ્રેનમાં લોકોની સુવિધા માટે એક અલગ રૂમ પણ હશે. જયાં કોઈ મહિલા પોતાના બાળકને બ્રેસ્ટ ફીડીંગ કરાવવા ઈચ્છે તો એકાંત મળશે, સાથે સાથે કોઈ યાત્રી બીમાર પડે તો પણ એ રૂમમાં તે આરામ કરી શકશે.