અમદાવાદ,તા.18
અમદાવાદમાં આવતીકાલે રમાનારા વન-ડે ક્રિકેટ ફાઈનલનો ક્રેઝ જામ્યો જ છે ત્યારે મુંબઈ-દિલ્હી જેવા મહાનગરોની તમામ ફલાઈટો હાઉસફુલ છે. અમદાવાદ તરફના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ખાસ ત્રણ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.
વર્લ્ડકપના ફાઈનલનો ફીવર ચરમસીમાએ છે અને સેંકડો-હજારો ક્રિકેટપ્રેમીઓ સ્ટેડીયમમાં બેસીને મેચ નિહાળવા આતુર છે. દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાંથી અમદાવાદ કે ગુજરાતની તમામ ફલાઈટો ફુલ થઈ જતા ઈન્ડીગો, વિસ્તારા જેવી એરલાઈન્સોએ એકસ્ટ્રા વિમાનો મુકવાનું જાહેર કર્યુ છે.
આમ છતાં દિલ્હી-અમદાવાદના ટીકીટ દર નોર્મલ દિવસોના 5થી7 હજારની સરખામણીએ 25થી30 હજાર રહ્યા છે. મુંબઈ જેવા અન્ય શહેરોમાંથી પણ અમદાવાદની ફલાઈટોમાં ધસારો છે. આજની તથા આવતીકાલ સવારની તમામ ફલાઈટ ફુલ છે. હોટલોના ભાડા પણ આસમાને છે.
વિમાની ટિકીટો મળવી મુશ્કેલ હોવાના કારણોસર રેલવે તરફ ધસારો વધ્યો છે અને તેને ધ્યાને રાખીને રેલવે દ્વારા મુંબઈથી અમદાવાદની ખાત્રિણ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.