રાજકોટ,તા.18
જસદણના બાખલવડમાં વાડીમાં ગાંજો વાવનાર આરોપી ધીરુ કેશુ પલાળીયા (ઉ.વ.35, રહે.બાખલવડ ગામ, ચોટીલા રોડ)ની રાજકોટ રૂરલ એસઓજીની ટીમે ધરપકડ કરી હતી. આરોપીએ વાડીમાંથી ગાંજાના છોડ વાવ્યા હતા. આ આરોપી હજુ પખવાડિયા પહેલા જ તેની વાડીમાં દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રેન્જ આઈજી આશોકકુમાર યાદવે માદક પદાર્થ વેચનાર અને તેનું ઉત્પાદન કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે વધુમાં વધુ કેસો કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી શાખાના ઇન્ચાર્જ પીઆઈ બી.સી.મિયાત્રા તેમની ટીમ સાથે સ્ટાફ જસદણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ, હિતેશભાઇ અગ્રાવતને સંયુક્ત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે, ધીરૂભાઇ કેશુભાઇ પલાળીયાએ પોતાની માલીકીની બાખલવડ ગામની સીમમાં આવેલ વાડીમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદકપદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. સર્કલ પીઆઈ એચ.એન.રાઠોડ સાથે એસઓજી ટીમે દરોડો પડતા કપાસના વાવેતર વચ્ચે આરોપીએ ગાંજાના છોડ વાવ્યા હોવાનું જણાયું હતું.
આ છોડનો વજન કરતા 3 કિલો 400 ગ્રામ થયો હતો. જેની કિંમત રૂ.34,000 ગણી સ્થળ પર જ આરોપી હાજર મળતા તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવેલો. ગાંજાનો જથ્થો અને મોબાઈલ સહિત રૂ.34,500નો મુદ્દામાલ કબ્જે કરી જસદણ પોલીસ મથકે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો દાખલ કરાયો હતો.
આ કામગીરીમાં જસદણ સર્કલ પીઆઈ એચ.એન.રાઠોડ, એસ.ઓ.જી શાખાના ઇન્ચાર્જ પીઆઈ બી.સી.મિયાત્રા, એ.એસ.આઇ. અતુલભાઇ ડાભી, હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, હિતેશભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા, ભગીરથસિંહ જાડેજા, વિજયભાઇ વેગડ, અરવિંદભાઇ દાફડા, કોન્સ્ટેબલ રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, કાળુભાઇ ધાધલ, અમીતદાન ગઢવી, ડ્રા.એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર ફરજ પર રહ્યા હતા.
આરોપી ગાંજો વેચતો હોવાની શંકા
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગાંજો ન વેચતો હોવાનું રટણ કર્યું હતું. જોકે પોલીસને શંકા છે કે, આરોપી અન્ય કોઈને ગાંજો વેચતો હતો. જેથી તેનો મોબાઈલ ફોન કબ્જે લઈ તે દિશામાં તપાસ હાથ ધરી છે. આરોપીએ કેટલા સમયથી ગાંજો વાવ્યો હતો તે અંગે વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. આરોપી ધીરુ અગાઉ દારૂના ગુના અને મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.