અમદાવાદ
ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં વન-ડે વર્લ્ડકપ ફાઈનલમાં ભારતના નબળા દેખાવ અને પરાજય પર ટીમના કોચ રાહુલ દ્રવિડે સ્વીકાર્યુ કે સમગ્ર વર્લ્ડકપમાં ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ પણ સૌથી મહત્વના એટલે કે ફાઈનલના દિવસે જ આપણી ક્ષમતા મુજબ ટીમ રમી ન હતી.
આ પરાજયથી રાહુલ ખૂબજ નિરાશ હતો તેની આંખમાં આંસુ આવી જશે તેવી સ્થિતિ હતી જે તેણે છુપાવવા કોશીશ કરી. જો કે તેણે સ્વીકાર્યુ કે ટીમ એક મજબૂત હરીફ સામે પરાજીત થઈ છે.
કાલના મેચમાં જયારે જયારે રનની ગતિ વધારવા અને મજબૂત ઈનિંગ્સ બનાવવાની કોશીશ કરી તે સમયે વિકેટ પડી અને તેથી ઈનિંગ્સ મજબૂત બની નહી. આ સુકી પીચ પર 240 રન એ કોઈ રીતે સારો ડિફેન્સીવ સ્કોર નથી.
ટીમ પ્રથમ પાવર પ્લે સમયે 80 રનમાં બે વિકેટના સ્તરે હતી પણ પછી તે સ્થિતિ જાળવી શકાઈ નહી. હવે તે ટીમ ઈન્ડીયા સાથે જોડાઈ રહેશે કે કેમ તેના પર જવાબ આપતા રાહુલે કહ્યું કે મે હજુ તેના પર કોઈ મુખ્ય વિચાર કર્યો નથી. હું તે માટે સમય લઈશ.