ઉના,તા.20
ઉના એસટી ડેપો માંથી ઉપડતી ઉના-જાફરાબાદ રૂટની એસ ટી બસ છેલ્લા ત્રણ દિવસથી ડેપો માંથી અચાનક રદ કરવામાં આવતા ગુરુવારના રોજ સવારે અનેક વિધાર્થીઓ, મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ પાસે એસટી પાસ હોવા છતાં અન્ય ખાનગી વાહનોમાં વધું ખર્ચ કરીને જવા મજબૂર બન્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ એક્સ્ટ્રા રૂટ માટે આ બસ અવાર નવાર રદ કરવામાં આવતી હોવાનુ જાણવા મળેલ છે. ઉના ડેપો માંથી બે બસો રૂટ પર જતી હોય જેમાં એક સવારે 8:15 એ તેમજ એક 9:00 કલાકે આ બસની અંદર ઉના શહેર અને માંથી જી એસ સી એલ કંપનીમાં એપ્રેન્ટીસ કરવા જતી દીકરીઓ હેરાન થઈ રહી છે. આ સિવાય મુસાફરો પણ રોજ હેરાન પરેશાન થઈ રહ્યાં છે. આ બાબતે એસ ટી તંત્રને અવાર નવાર ધ્યાન દોરવા છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉના એસ ટી ડેપો માંથી લોકો રોજ અપડાઉન કરતા હોય અને એસ ટી પાસ પણ કઢાવેલા હોવા છતાં ખાનગી વાહનમાં જવું પડે છે, નહિ તો પરત ઘરે જવાનો વખત આવે છે. જેથી ડેપો દ્વારા વિધાર્થીઓ તેમજ મુસાફરોની મુશ્કેલીને ધ્યાને રાખી તાત્કાલિક સમયસર રૂટ શરૂ કરવા માંગ ઉઠવા પામેલ છે.