♦ હું 1983 ની પૂરી ટીમ સાથે ત્યાં હાજર રહેતા માંગતો હતો : કપિલદેવ
અમદાવાદ,તા.20
ભારતને 1983 માં વર્લ્ડકપ જીતાડનાર તત્કાલીન ટીમ કેપ્ટન કપિલદેવને ગઈકાલે અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલમાં હાજર રહેવા આમંત્રણ નહોતું અપાયું. આ વાત ખુદ કપિલદેવે કહી છે. કપિલે જણાવ્યું હતું કે તે અને તેનાં સાથી ખેલાડીઓ મેચ જોવા માગતા હતા.
ઈચ્છતો હતો ટીમ સાથે જાઉં
કપિલે એક ટીવી ચેનલને કહ્યું હતું કે મને ત્યાં આમંત્રીત નહોતો કરાયો. તેમણે મને નહોતો બોલાવ્યો એટલે હું ગયો નહિં. હુ ઈચ્છતો હતો કે 1983 ની પુરી ટીમ ત્યાં મારી સાથે હોય પણ મને લાગે છે કે આ એટલી મોટી ટુર્નામેન્ટ છે અને લોકો જવાબદારીઓ સંભાળવામાં એટલા વ્યસ્ત છે કે કયારેક ભૂલી જાય છે.
બોર્ડ કરે છે આમંત્રીત
નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારતનાં પૂર્વ કેપ્ટનોમાં સૌરવ ગાંગુલી હાજર હતો. જેને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના પૂર્વ અધ્યક્ષ તરીકે આમંત્રીત કરાયા હતા. આમેય બીસીસીઆઈનો નિયમ છે કે તે પૂર્વ અધ્યક્ષ અને અધિકારીઓને આમંત્રીત કરે છે.
આ પુરી રીતે અસ્વીકાર્ય: કોંગ્રેસ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ પુરી રીતે અસ્વીકાર્ય છે કે ક્રિકેટ સંસ્થાએ વિશ્ર્વ વિજેતા રહેલી ભારતીય ટીમના કેપ્ટન કપિલદેવને અમદાવાદમાં વિશ્વ કપ ફાઈનલ માટે આમંત્રીત ન કર્યા.
બિશનસિંહ બેદીની જેમ જ કપિલદેવ પણ પોતાની વાત બેધડક કહેવા માટે જાણીતા છે. કેટલાંક મહિના પહેલા તેમણે દેખાવો કરનાર મહિલા પહેલવાનોનું ખુલ્લીને સમર્થન કર્યું હતું.