રાજુલાના ધારેશ્વર ગામે 5.61 લાખની ચોરી

20 November 2023 12:30 PM
Amreli
  • રાજુલાના ધારેશ્વર ગામે 5.61 લાખની ચોરી

પૂરા પરિવાર માટે શ્રમિકે નવું મકાન બનાવ્યું હતું : તસ્કરો રૂમમાંથી તિજોરી સાફ કરી ગયા

અમરેલી, તા. 20

રાજુલા તાલુકાના ધારેશ્વર ગામના રહીશ અને હાલ ભચાદર ગામે રહેતા એક વૃદ્ધ શ્રમિકના ધારેશ્વર ગામે આવેલ બંધ મકાનના કોઈ તસ્કરોએ તાળા તોડી રૂમમાં રાખેલ કબાટની તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા પાંચ લાખ સહિત કુલ રૂપિયા 5.61 લાખના માલ મત્તાની ચોરી કરી લઈ ગયાની ઘટનાથી ભારે ચકચાર મચી છે.


પ્રાપ્ત વિગત મુજબ રાજુલા તાલુકાના મૂળ ધારેશ્વર ગામના અને હાલ ભચાદર ગામે રહેતા હાકાભાઇ ભોળાભાઈ ધાખડા ઉ.60 નામના વૃદ્ધ શ્રમિક ગઈકાલે રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ હતું કે પોતાનો પરિવાર સંયુક્ત રીતે રહી પોતાના ગામ ધારેશ્ર્વર ગામે થોડા દિવસ પહેલા પાકું મકાન બનાવેલ હતું અને આ મકાનના ચાર રૂમને તેમજ ડેલીને તાળું મારી ભચાદર ગામે રહેતા હતા અને પોતાના આ મકાનની દેખભાળ માટે બે ત્રણ દિવસે પોતાનો પુત્ર આટો મારવા આવતો હતો.

ગત તા.15 થી 17 દરમિયાન આ મકાન બંધ હતું. તા.17 ના રોજ સાંજના સમયે પોતાના આ બંધ મકાને આવેલ હતા. અને ડેલીનું તાળું ખોલી અંદર દાખલ થતા ચારેય રૂમના તાળા અને દરવાજાના નકુચા તૂટેલા જણાયેલ હતા. રૂમની અંદર તપાસ કરતા તમામ સરસામાન વેરવિખેર પડેલ હતો અને ચોથા નંબરની રૂમમાં રાખેલ કબાટનો દરવાજો તૂટેલા હતો. કબાટમાં રહેલ તિજોરીમાં તપાસ કરતા તેમાં રાખેલ રોકડ રૂપિયા પ લાખ તેમજ રૂપિયા 61,378 ના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 5,61,378ના મુદામાલની ચોરી થયાનું માલૂમ પડેલ હતું. જે અંગેની ફરિયાદ રાજુલા પોલીસ મથકમાં નોંધાવતા પી.આઇ; સી.એસ.કુગસિયાએ આગળની તપાસ હાથ ધરેલ હતી.


Advertisement
Advertisement
Advertisement