(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.20 : લીંબડી, ચુડા અને વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં જુગારનો અડ્ડો ચલાવતા શખસોએ મોટી રકમની નાળ ઉઘરાવવા ખેતર અને સરકારી ખરાબામાં ઓટલા તૈયાર કરાવ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે. આ અંગે લીંબડી પીએસઆઈ બી.કે.મારૂડાએ જણાવ્યું હતું કે બાતમીદારો પાસેથી જાણવા મળ્યું છે કે જુગાર રમાડતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. એમની દરેક ગતિવિધિ પર અમારી નજર છે. સૌકાવાળી ઘટના ફરીવાર ન બને તે માટે ડી-સ્ટાફ સાથે તપાસ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે મે મહિનામાં સૌકા ગામની સીમમાંથી ગુડદી પાસાનો જુગાર રમતા 38 શખસો 24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જુગારનો અડ્ડો ચલાવતા શખસે કબૂલાત કરી હતી કે મહિને 12 લાખનો હપ્તો આપી 2 વર્ષથી જુગારનો અડ્ડો ચલાવતા હતા. સૌકા ગામે જુગારનો અખાડો ઝડપાયા પછી જિલ્લા પોલીસ વડાએ લીંબડી પીએસઆઈ, બીટ જમાદાર, એએસઆઈ સહિત 10 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા હતા. એલસીબી અને એસઓજી ટીમનું વિસર્જન કરી દીધુ હતું.
જુગારી ઝબ્બે, 4 શખ્સ ફરાર | સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ટીમે પ્રથમ દરોડો ટીબી હોસ્પીટલ પાસે પેપીના કારખાનમાં કરતાં મફતીયાપરાના જગદીશભાઇ ઉર્ફે મંગો વશરામભાઇ જલાલપરા જુગાર રમતો ઝડપાયો હતો. જ્યારે ખેંગાર પ્રતાપ ખાવડીયા, અજીત સુરેશ રાવળ, મેહુલ મફા કોળી અને નિર્મળનગરના દિલા ઘુધા સારલા ફરાર થતાં રૂ.1120નો મુદામાલ જપ્ત કરાયો હતો.જ્યારે આંબેડકરનગર-2માંથી માનસંગભાઇ બચુભાઇ વાઘેલા, આંબેડકરનગર-2ના રહીશ હસુભાઇ બચુભાઇ વાળાને રોકડા રૂ.,10,300 સાથે ઝડપી પાડી જુગાર અંગે ગુનો નોંધાયો હતો.