હળવદના ધરતીનગરમાં ઘરમાં દારૂ પીને ડિંગલ કરતાં ચાર શખ્સોને પોલીસે દબોચ્યા

20 November 2023 01:31 PM
Morbi
  • હળવદના ધરતીનગરમાં ઘરમાં દારૂ પીને ડિંગલ કરતાં ચાર શખ્સોને પોલીસે દબોચ્યા

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા. 20

હળવદમાં આવેલ ધરતી નગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચાર શખ્સો દ્વારા દારૂની મહેફિલ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે ચારેય બકવાસ કરી રહ્યા હતા જે અંગેની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર જઈને દારૂનો નશો કરેલી હાલતમાં મળી આવેલા ચાર શખ્સોને પકડી લીધા હતા અને ત્યાંથી દારૂનો જથ્થો કબજે કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ધરતી નગર સોસાયટીમાં રહેતા શક્તિસિંહ ઝાલાના મકાનમાં દારૂની મહેફિલ કરીને નશાની હાલતમાં ત્યાં રહેલા શખ્સો દ્વારા બકવાસ કરવામાં આવતો હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી ત્યારે સત્યપાલસિંહ અશોકસિંહ ઝાલા જાતે દરબાર (26) રહે. દિઘડિયા, યસભાઈ અનિલભાઈ રાવલ જાતે બ્રાહ્મણ (25) રહે.વસંત પાર્ક હળવદ, ચિંતનકુમાર જીતેન્દ્રકુમાર રાવલ જાતે બ્રાહ્મણ (23) રહે.વાણિયા વાડ હળવદ અને ઋત્વિકકુમાર શંકરભાઈ ધારીયા પરમાર જાતે દલવાડી (24) રહે. ગોરી દરવાજા પાસે હળવદ વાળા નશાની હાલતમાં મળી આવ્યા હતા અને સ્થળ ઉપરથી પ્લાસ્ટિકની બોટલમાં ભરેલ 500 એમએલ જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 300 ની કિંમતનો દારૂ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ ચારેય શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ ગેલેક્સી સોસાયટીમાં રહેતા હકીમભાઈ કરીમભાઈ સેડાત નામનો 40 વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે સોસાયટી નજીકના રોડ ઉપર અકસ્માતે તેનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં તેને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે જાણ કરાયેલી હોય બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધનું મોત
મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની સામેના ભાગે આવેલ વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા ગોરધનભાઈ મેરૂભાઈ સિચણાદા નામના 66 વર્ષના વૃદ્ધનું તેઓના ઘરે મોત થયુ હતું જેથી તેઓની ડેડબોડી પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને આ બાબતે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા નોંધ કરી તપાસ હાથ ધરાઈ હતી.


Advertisement
Advertisement
Advertisement