અમૃતસર,તા.20
શિખો માટે અત્યંત પવિત્ર ગણાતા કરતારપુરસાહીબ પરિસરમાં એક નોનવેજ પાર્ટી યોજાતા શિખ સમુદાય ભડકી ઉઠયો છે અને આ પાર્ટી યોજનાર સામે આકરા પગલા લેવાની માંગણી કરી છે.
પાકિસ્તાન સ્થિત શિખોના સર્વોચ્ચ ધર્મસ્થાનમાં ડાન્સ અને નોનવેજની પાર્ટી યોજાઈ હતી અને તેનો વિડીયો વાયરલ થતા જ ગુરુદ્વારા પ્રબંધક કમીટી સહિતના સંગઠનોએ તેનો જબરો વિરોધ કર્યો હતો. આ અંગે સુરક્ષા એજન્સીઓએ કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે કરતારપુરસાહીબ પરિસરમાં રાત્રે આઠ વાગ્યે એક પાર્ટી યોજાઈ હતી અને ત્રણ કલાક ચાલી હતી.
જેમાં શરાબ અને નોનવેજ પણ પીરસવામાં આવ્યું હતું તથા ડાન્સ પણ યોજાયા હતા. કુલ 80 લોકો આ પાર્ટીમાં સામેલ હતા જેમાં પાકિસ્તાનના આ વિસ્તારના પોલીસ વડા મહમદ શાહરુખ પણ સામેલ હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગેના અહેવાલ બાદ શિખ સમુદાયે સમગ્ર ઘટનાની તપાસની માંગણી કરી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ દરબારસાહિબની દર્શની દેવરી (મુખ્ય દરવાજા)થી 20 ફુટ દુર જ આ પાર્ટી યોજાઈ હતી જેમાં કેટલાક શિખો પણ હાજર હતા. જેના વિડીયો બાદ પાકિસ્તાન સરકાર પાસે તપાસની માંગણી થઈ છે.