રાજકોટ, તા.20 : સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાની ઋતુ હજુ ખાસ જામી નથી. ત્યાં ફરી એકવાર ચાલુ સપ્તાહના અંતમાં રાજ્યમાં માવઠુ થવાની આગાહી રાજ્ય હવામાન વિભાગે કરી છે. આ આગાહીના પગલે ખેડૂતો ભારે ચિંતાતુર બન્યા છે. કારણ કે હાલમાં રવિ પાકની સિઝન ચાલી રહી છે ત્યાં ફરી એકવાર માવઠાની આગાહીના પગલે ખેડૂતોને નૂકસાનીનો ભય સતાવા લાગ્યો છે.
દરમ્યાન રાજ્ય હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમા મોહંતીનો સંપર્ક સાધતા તેઓએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવેલ હતું કે ભેજવાળા પવનોને લીધે ટ્રક બની રહ્યો છે. જેના કારણે આગામી તા.25 અને 26ના રોજ સમગ્ર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે અમુક સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા છે. વધુમાં ડો. મોહંતીએ જણાવેલ હતું કે ચાલુ માસની શરૂઆતમાં સવારનું અને સાંજનું તાપમાન નોર્મલ રહેશે. ખાસ ઠંડીનો અનુભવ થશે નહીં. દરમ્યાન આજરોજ સવારે પણ રાજ્યમાં વિવિધ સ્થળોએ ગુલાબી ઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો.
આજરોજ રાજ્યનું સૌથી ઠંડુ શહેર 13.4 ડીગ્રી સાથે કચ્છનું નલીયા રહેવા પામ્યું હતું. આ ઉપરાંત અમરેલીમાં પણ 16.7 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડકનો અહેસાસ થયો હતો. તેમજ અમદાવાદ ખાતે આજરોજ સવારે 20.8 ડિગ્રી, વડોદરામાં 20, ભાવનગરમાં 21, ભુજમાં 17.7 ડિગ્રી, ડીસામાં 19, દિવ અને દ્વારકામાં 20 ડિગ્રી જ્યારે ગાંધીનગર ખાતે 19 ડિગ્રી, કંડલામાં 20, પોરબંદરમાં 20.7, રાજકોટ શહેરમાં 19.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 20.6 ડિગ્રી તેમજ વેરાવળ ખાતે 21.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.