રાજકોટ, તા.20 : રાજકોટ મહાપાલિકાની આજની સામાન્ય સભામાં દર બોર્ડની જેમ આજે પણ એક કોર્પોરેટરના બે પ્રશ્નની ચર્ચામાં એક કલાકનો પ્રશ્નોત્તરી કાળ પૂરો થઇ ગયો હતો. શાસક પક્ષના કોર્પોરેટરના સરકારી માહિતી જેવા સવાલના જવાબમાં ટાઇમપાસ થઇ ગયો હતો અને વિપક્ષના જમીન કપાત બદલામાં વળતરના નિયમો, સર્વેશ્વર ચોક વોંકળાની દુર્ઘટના જેવા ગંભીર પ્રશ્નનો વારો આવ્યો ન હતો. પરંતુ ડે.કમિશનર સહિતના અધિકારીઓ પાસે આંગણવાડીને લગતી કામગીરી, જવાબદારી અને વ્યવસ્થાઓની પણ પૂરતી વિગતો ન હોય, શાસક પક્ષના ડઝન જેટલા કોર્પોરેટરો નારાજ થયા હતા. સાથે જ હવેથી નવા બોર્ડમાં અધિકારીઓ પૂરતી માહિતી સાથે હાજર રહે તે માટે પણ તાકીદ કરી હતી.
આજે સવારે 11 વાગ્યે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડ શરૂ થયું હતું. ભાજપના કોર્પોરેટર વર્ષાબેન પાંધીએ આંગણવાડીની સંખ્યા, વોર્ડવાઇઝ બાળકો સહિતની વિગતો પૂછી હતી. તેમણે સૌ પહેલા પૂરા તંત્રને નવા વર્ષની શુભકામના પાઠવી જય જલારામ કહ્યા હતા. જેના જવાબ આજે કમિશ્નર વતી ડે.કમિશ્નર અનિલ ધામેલીયાએ આપ્યા હતા. તેઓએ કહ્યું હતું કે 364 પૈકી 65 આંગણવાડી ભાડાના બિલ્ડીંગમાં બેસે છે અને કુલ 5820 બાળકો તેનો લાભ લે છે. જોકે વોર્ડ, વિસ્તાર અને આંગણવાડીવાઇઝ પૂરતી વિગતો ન હોય તેઓએ લેખિતમાં જવાબ આપવામાં આવશે તેમ કહ્યું હતું.
આ દરમ્યાન શાસક પક્ષના દંડક મનીષ રાડીયા ઉભા થયા હતા અને આટલા સંવેદનશીલ પ્રશ્ન અને ભુલકાઓને પોષણ સહિતની માહિતીની પૂરતી વિગતો ન હોવા બદલ અધિકારીઓનો ઉધડો લીધો હતો. વિગતો આપવાની પૂરતી તૈયારી અધિકારીઓ કેમ કરીને આવતા નથી તેવું પૂછયું હતું. દર બે મહિને મળતા બોર્ડમાં અધુરી વિગતો ન ચાલે તેવું પણ તંત્રને સાફ કહ્યું હતું. કોર્પોરેટરોએ પેટા પ્રશ્નોનો મારો ચાલુ કરતા અધિકારીઓ વધુ ભીંસમાં આવ્યા હતા. કેતન પટેલે આંગણવાડીઓમાં અભ્યાસક્રમ અને પાણી માટેના આર.ઓ. પ્લાન્ટની વિગત પૂછી હતી. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આર.ઓ. પ્લાન્ટની કોઇ કાર્યવાહી થતી ન હોવાનો જવાબ મળ્યો હતો અને ગ્રાન્ટ જેવા હિસાબ સી.ડી.પી.ઓ.એ રજૂ કર્યા હતા. વિનુભાઇ ઘવાએ જર્જરીત આંગણવાડીની હાલત અને રીપેરીંગના આયોજનની માહિતી પૂછી હતી. ચેતન સુરેજાએ પાણીના ટાંકા સાફ કરવા અંગે જવાબદારી પૂછી હતી.
જેમાં પણ ઓવરહેડ કે ભૂગર્ભ ટાંકા સાફ કરવાની કોઇ કાયમી સિસ્ટમ નહીં હોવાનું સામે આવ્યું હતું. આ દરમ્યાન વિપક્ષે જમીન કપાત અને સર્વેશ્વર ચોકનો પ્રશ્ન પૂછવા પ્રયાસ કર્યો હતો પરંતુ સ્ટે.ચેરમેન જયમીન ઠાકર અને પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવે વિપક્ષને ક્રમમાં જ બોલવા સૂચના આપી હતી. જીતુ કાટોડીયાએ આંગણવાડીના પ્રાંગણમાં સફાઇ થતી ન હોવાનું કહ્યું હતું. વરસાદ બાદ ઘાસ ઉગી નીકળતા જીવાતના જોખમ રહે છે. આ કામ પણ આંગણવાડી વિભાગે કરવાનું હોય, મનપા મદદ કરશે તેવો જવાબ આપવામાં આવ્યો હતો! સ્માર્ટ આંગણવાડીની તૈયારી અધિકારીઓએ રજૂ કરી હતી. સેનીટેશન ચેરમેન નિલેશ જલુએ કહ્યું હતું કે કોઇ પણ કામગીરી માટે કામ કરતા પત્ર વ્યવહારમાં વધુ જવાબ જાય છે.
ખરેખર તો કામગીરી બાદના ફોલોઅપની વિગત પણ મળતી નથી. આથી ગરીબ બાળકો માટે તો પરિણામલક્ષી કામ કરવા ટકોર કરી હતી. સમાજ કલ્યાણ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ સંવેદના વ્યકત કરતા કહ્યું હતું કે કુપોષિત બાળકોના મુદ્દે વડાપ્રધાન પણ અત્યંત સંવેદનશીલ છે. ચૂંટાયેલા અને સામાજીક આગેવાનો બાળકોને દત્તક લે છે અને કોર્પો. પોષણ કીટ આપે છે. છતાં બાળકો અંગેની અને સુવિધાની પૂરી વિગતો ન હોય તે યોગ્ય નથી. નેહલ શુકલએ આ તમામ કામોની જવાબદારી કોની તેવો સીધો સવાલ કર્યો હતો. હવેના બોર્ડમાં પૂરતી વિગત સાથે હાજર રહેવા અશ્ર્વિન પાંભરે પણ ટકોર કરી હતી. એકંદરે આજે પણ 38 પૈકી માત્ર બે પ્રશ્નની ચર્ચામાં સભા પૂરી થઇ ગઇ હતી.
તમામ 23 દરખાસ્ત મંજૂર
રાજકોટ, તા.20 : મનપાની આજની સામાન્ય સભામાં 23 પૈકી 22 દરખાસ્ત સર્વાનુમતે અને કાલાવડ રોડના જમીન માલિકોને છુટછાટ સાથે જમીન વિકલ્પની દરખાસ્ત કોંગ્રેસના વિરોધ વચ્ચે મંજૂર થઇ હતી. એજન્ડા પર જુદી જુદી શાખામાં ભરતી અને બઢતીના નિયમો સુધારવા, સેટઅપ રીવાઇઝ કરવા, ડે.કમિશ્નરની નવી જગ્યા ઉભી કરવા,
વોર્ડ ઓફિસરની ભરતીના નિયમ સુધારવા, આસી.મેનેજરની નવી જગ્યા ઉભી કરવા, અમુક જગ્યા રદ કરી નવી ઉપસ્થિત કરવા, આસી. કમિશ્નરને બઢતી અને ભરતીના નિયમો, મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરવા કમીટી બનાવવા, ઢોર ત્રાસ નિયંત્રણ બીલ, વોર્ડ નં.2માં ટીપીના બસ ટર્મિનલના હેતુનો પ્લોટ વેંચાણ હેતુમાં વેરીડ કરવા, જુદા જુદા નામકરણની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલયમાં સભ્ય તરીકે વર્ષાબેન રાણપરાની નિમણુંક કરવામાં આવી છે.
નારી શકિત વંદન બીલ બદલ વડાપ્રધાનને બોર્ડના અભિનંદન
બે સદ્ગત કોર્પોરેટરોને શ્રધ્ધાંજલી પાઠવતી સામાન્ય સભા
મનપાની આજની સામાન્ય સભામાં વડાપ્રધાનને અભિનંદન આપતો ઠરાવ પસાર કરાવ્યો હતો. લોકસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપતા નારી શકિત વંદન બીલને અભિનંદન આપવા ધારાસભ્ય અને કોર્પોરેટર ડો. દર્શિતાબેન શાહે દરખાસ્ત મૂકી હતી અને શાસક નેતા લીલુબેન જાદવે ટેકો આપ્યો હતો જેને સૌએ વધાવી અભિનંદન આપ્યા હતા.
શોક ઠરાવ
બે પૂર્વ કોર્પોરેટરો સ્વ. મનસુખભાઇ પટેલ અને મીનાબેન આચાર્યને શ્રધ્ધાંજલી માટે સામાન્ય સભાએ મૌન પાળ્યું હતું.