વિશાખાપટ્ટનમ,તા.20 : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ માછીમારીના બંદર પર ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ પહેલા એક બોટથી શરૂ થઈ અને આખરે 40 બોટમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ રહેલું છે.
ઘટનાને પગલે પોલીસે કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ માછીમારીના ચોંકાવનારી ઘટનામાં અંદાજિત 30 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. માછીમારોને આશંકા છે કે, કેટલાક ગુનેગારોએ બોટને આગ લગાડી છે. બોટમાં કોઈ પાર્ટી દ્વારા આગ લગાડવામાં આવી હોવાની પણ શંકા છે. કેટલીક બોટોમાં આગ ઇંધણના ટેન્ક સુધી પહોંચી જતાં બ્લાસ્ટ થયો હતો. જેથી આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે ચારથી વધુ ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા.
અત્યાર સુધી જાનહાનિના નુકસાનના કોઈ સમાચાર નથી. માછીમારોએ જણાવ્યું કે આગને કારણે 40 જેટલી ફિશિંગ બોટને નુકસાન થયું છે. દરેક બોટની કિંમત ઓછામાં ઓછી 40 લાખ રૂપિયા હતી. પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ તેઓ આગનું ચોક્કસ કારણ શોધી કાઢશે.