મુંબઇ, તા.20
વન-ડે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલીયા સામે ભારતનો ભલે પરાજય થયો હતો પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ની વર્લ્ડ ઇલેવનમાં ભારતનો દબદબો રહ્યો છે. કપ્ન તરીકે રોહિત શર્માનું નામ જાહેર કર્યું છે તથા ટીમમાં 6 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે.
રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ તથા મોહમ્મદ શામીને આઇસીસી વર્લ્ડ ઇલેવનમાં સામેલ કરાયા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલીયાના બે તથા દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ તથા શ્રીલંકાના 1-1 ખેલાડીને લેવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયામાંથી મેકસવેલ તથા ઝેમ્પાને સ્થાન મળ્યું છે. દક્ષિણ આફ્રિકાના ક્વીંટન ડીકો, ન્યુઝીલેન્ડના ડેરિલ મીવેલ, શ્રીલંકાના મધુશંકાને આ ટીમમાં સ્થાન મળ્યું છે. 12મા ખેલાડી તરીકે દક્ષિણ આફ્રિકાના બોલર કોએટઝને સ્થાન આપવામાં આવ્યું હતું.
ઇયાન બીશપ, કાશ નાયડુ, શેન વોટ્સન, આઇસીસીના જનરલ મેનેજર વસીમ ખાન તથા સુનિલ વૈદ્યની બનેલી સિલેક્શન પેનલ દ્વારા આ ટીમ જાહેર કરવામાં આવી હતી.
વન-ડે વર્લ્ડકપ ફાઇનલમાં ભારત પરાસ્ત થયું હતું. વિશ્ર્વ વિજેતા બનવાનું સ્થાન ચકનાચૂર થતા કરોડો ભારતીયો નિરાશ થયા હતા. છતાં આઇસીસીની વર્લ્ડ ઇલેવનમાં છ ભારતીય ખેલાડીઓને સ્થાન મળતા ભારત ક્રિકેટનું સુપર પાવર હોવાનું સ્પષ્ટ છે.