અમદાવાદ, તા.20
વર્લ્ડકપના ફાઇનલ મુકાબલાના પરિણામ બાદ વિજેતા ઓસ્ટ્રેલીયન ખેલાડીઓના સેલીબ્રેશન તથા ભારતીય ખેલાડીઓની ગમગીની વચ્ચે વિરાટ કોહલી તથા ગ્લેન મેકસવેલે લાગણીભીની પણ સર્જી હતી.
આઇપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના સાથી ખેલાડી એવા કોહલી તથા મેક્સવેલનો મેળાપ લાગણી છલકાવનારો હતો. કોહલીએ ઓસ્ટ્રેલીયાના સ્ફોટક બેટસમેન મેક્સવેલને જર્સી ગીફટ કરી હતી. બન્ને ટીમના ખેલાડીઓ એક બીજા સાથે હાથ મિલાવીને અભિનંદન-સાંત્વના પાઠવતા હતા ત્યારે કોહલીએ મેક્સવેલને આ ગીફટ આપી હતી.
ફાઇનલ મુકાબલામાં ભારતે 240 રનનો સ્કોર કર્યો હતો તેમાં ટુર્નામેન્ટમાં સૌથી વધુ 765 રન કરનાર કોહલીનું 54 રનનું યોગદાન હતું. ઓસ્ટ્રેલીયા વતી વીનીંગ શોટ મેક્સવેલે જ ફટકાર્યો હતો. ઓસ્ટ્રેલીયન સ્ફોટક બેટરે ટુર્નામેન્ટની એક માત્ર બેવડી સદી ફટકારી હોવાનું ઉલ્લેખનીય છે.