રાજકોટ,તા.20
રાજકોટ જિલ્લાના જામકંડોરણા નજીક આવેલા માત્રાવડ ગામે નદીમાં ડુબી જતા 35 વર્ષીય પરિણિતા રસનાબેન પરેશભાઈ સોનારાનું મોત નિપજયું હતું. તેમના માવતર પક્ષે શંકા દર્શાવતા જામકંડોરણા પોલીસે મૃતદેહ ફોરેન્સીક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો.
પરિવારજનોના જણાવ્યા મુજબ રસનાબેનના પતિ પરેશભાઈ હીરા ઘસવાનું કામ કરે છે. તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પરિવાર સુરત ખાતે રહે છે, પરંતુ દિવાળીનો તહેવાર હોવાથી રજામાં ગામડે આવ્યા હતા. ગઈકાલે સવારે રસનાબેન ગામની નદીમાં કપડા ધોવા ગયેલ હતા, પરત ન આવતા તેમના પતિ સહિતના સાસરીયા પક્ષના સભ્યો શોધવા નીકળ્યા હતા.
ત્યારે રસનાબેનનો મૃતદેહ નદીમાં તરતો જોવા મળ્યો હતો. જામકંડોરણા પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ જામકંડોરણા હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડયો હતો. જોકે રસનાબેનના માવતર પક્ષના સભ્યો આવતા તેમણે મોતના બનાવ અંગે શંકા દર્શાવી હતી. તેમનો દાવો હતો કે, જયાં બનાવ બન્યો ત્યાં કોઈ માણસ ડુબી શકે તેટલું પાણી જ નહોતું. મોત અંગે શંકા છે.
જેથી પોલીસે મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડયો હતો. રસનાબેનના લગ્ન વર્ષ પહેલા થયા હતા. બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.