રાજકોટ, તા.20
રાજકોટ નજીક આવેલા શાપર પાસે રાજપથ-કલ્પવનમાં રહેતા પિયુષ રમણીક ડોબરીયા (ઉ.વ.35)નું કારખાનામાં કામ કરતી વખતે બેભાન થયા બાદ હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોક છવાયો છે.
બનાવની મળતી વિગત મુજબ મુળ મેંદરડાના પિયુષભાઇ શાપર પાસે રાજપથ કલ્પવનમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા અને ગોંડલ તાલુકાના મોટા મહિકા-પડધરી રોડ પર આવેલા સોમનાથ નામના કારખાનામાં કામ કરતા હતા. આ કારખાનામાં લોખંડ ગાળવાની ભઠ્ઠી છે. પિયુષભાઇ ગઇકાલે કારખાને ગયા હતા. સવારે દસેક વાગ્યે તેને ગેસના હિસાબે છાતીમાં દુ:ખતું હોવાની ફરિયાદ કરી હતી અને થોડીવારમાં જ કારખાનામાં ઢળી પડ્યા હતા.
સાથી કર્મચારીઓએ તુરંત તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પણ અહીંના તબીબે મૃત જાહેર કર્યા હતાં. પિયુષભાઇ 2 ભાઇમાં નાના હતા. તેમને સંતાનમાં એક પુત્રી છે. પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. એક બાદ એક બનાવ સામે આવતા ચિંતા પ્રસરી ગઇ છે.