રાજકોટ તા.20 : ગઈકાલે વિશ્વકપમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ફાઈનલ મેચ રમાયો જેમાં જુદી જુદી જગ્યાએ હોટલોમાં મેચ જોવા માટે એલસીડી સ્ક્રીન, ટીવી, સહિતની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં બજરંગવાડીમાં એક ચાની હોટલે મેચ જોવા બેસવા બાબતે માથાકૂટ થતા બે શખ્સોને ઈજા થઈ હતી. બન્ને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને બન્નેએ સામસામી ફરીયાદ નોંધાવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ વિરેન્દ્ર કનુ કરપડા (ઉ.21 રહે. લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપ રેલનગર)એ ફરીયાદમાં કિશન ચૌહાણ નામના વ્યકિતનું નામ લખાવ્યું છે તેણે કહ્યું કે બજરંગ ચોકમાં શકિત હોટલ ખાતે ક્રિકેટ મેચ ચાલતો હોય જયાં ગાદલી પર બેસવા બાબતે માથાકૂટ થતા ઉશ્કેરાયેલા કિશને તીક્ષ્ણ હથિયાર વડે ખંભાના ભાગે ઘા માર્યો હતો.
સામા પક્ષે કિશન હિતેશ ચૌહાણ (ઉ.23 રહે. સુંદરમ સીટી, રેલનગર)એ વિરેન્દ્ર કાઠી અને અજાણ્યા વ્યકિત સામે ફરીયાદ નોંધાવતા આક્ષેપ કર્યો હતો કે વિરેન્દ્રએ બેસવા માટે ગાદલી માંગી પણ મે ના પાડતા બન્ને આરોપીએ ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો. ગાંધીગ્રામ પોલીસે બન્ને ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.